દિવાળી પહેલાં એસટી વિભાગ માલામાલ, 1 લાખ ટિકિટનું રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ

સુરતઃ દિવાળીના તહેવારો પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફરોની સંખ્યા અને એડવાન્સ બુકિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં 60 થી 70 હજાર ટિકિટોનું દૈનિક બુકિંગ થતું હોય છે, જ્યારે હાલ તે વધીને એકથી દોઢ લાખ સુધી પહોંચી ગયું હતું.
સુરતથી સૌરાષ્ટ્રના વિવિધ રૂટો માટે સૌથી વધુ માંગ જોવા મળી રહી છે, જેમાં 268 બસોનું ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું છે અને તેનાથી નિગમને 63.12 લાખ રૂપિયાની વધારાની આવક મળી છે.
આપણ વાંચો: ગુજરાત એસટીમાં કંડક્ટરની દિવ્યાંગો માટે થશે મોટી ભરતી: જાણો અરજીની પ્રક્રિયા અને પરીક્ષાની વિગતો
રાજ્યમાં 4,000થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે
તહેવારોને ધ્યાને રાખતા એસટી નિગમે રાજ્યમાં 4,000થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે, જેમાં સુરતથી સૌરાષ્ટ્ર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત વિભાગ દ્વારા 19 ઓક્ટોબરથી સાંજના 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 1,600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ તેમજ દાહોદ-પંચમહાલના શ્રમિકોને પોતાના વતન પહોંચાડશે. ગત વર્ષે સુરત વિભાગે 1,359 ખાસ ટ્રીપ ચલાવી 86,599 મુસાફરોને તેમની ગંતવ્યસ્થળે પહોંચાડ્યા હતા અને 2.57 કરોડની આવક કરી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોરઃ રાજ્યમાં 392 રોડ રસ્તા બંધ
સુરતમાં પણ એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા
સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા સુરત ખાતેથી ઉપાડવામાં આવશે. સુરત સેંટ્રલ બસ સ્ટેશનથી ઉત્તર ગુજરાત તથા અમદાવાદ જવા માટે બસ મળશે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સીટી બસ સ્ટેશન અને રામનગર રાંદેર રોડથી દાહોદ તથા પંચમહાલ જેવા માટે બસ મળી રહેશે.
મુસાફરો એસટીના તમામ બસ સ્ટેશન, નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસટી આપના દ્વારે’ સેવા હેઠળ સીધા તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે.



