સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનના સંપાદનને સરકારની મંજૂરી
સુરત: સુરતીઓને સરકાર તરફથી વધુ એક નવી ભેટ મળવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે ચાલી રહેલી ચળવળ બાદ રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનો સંપાદન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ સરકાર દ્વારા એરપોર્ટ નજીકની 80 હજાર ચોરસ મીટરથી વધુની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે.
સુરત ઇન્ટરનેશન એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી જમીનો સંપાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળવાથી હવે મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80643 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે. જો કે જમીન સંપાદન કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે. સુરત એરપોર્ટના વિકાસ માટે 215 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: Dolly Chaiwala સુરતનો મહેમાન બન્યો, કરી આ અપીલ
જમીન સંપાદનની મંજૂરી મળ્યા બાદ મગદલ્લાની જમીન મળવાથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઇટ સિસ્ટમ સથાપિત કરશે. આ સિસ્ટમ લગાવ્યા બાદ ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલટને ફ્લાઇટને ટેકઓફ-લેન્ડ કરવામાં સરળતા રહેશે અને ફ્લાઇટને ડાયવર્ટ કરવાની પણ જરૂર નહીં રહે. જેનો સીધો લાભ મુસાફરોને મળવાનો છે.
રાજ્ય સરકારે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ડિસેમ્બર 2024માં એમઓયુ કરવા માટેની વહિવટી મંજૂરી પણ આપી દીધી છે. ખાનગી જગ્યાના કાયમી સંપાદન માટે 2023-24 વર્ષના બજેટમાં રૂપિયા 215 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. મગદલ્લાના સર્વે નંબર 44/બી, 45, 48, 49/1, 51/5, 50/2/1 પૈકી 1/5, 50/2/1 પૈકી 1/1, 50/1, 52/1/1/3, 51/3, 51/2, 53/3, 53/4, 55/4, 55/5, 55/6 અને 57 મળી કુલ 80643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરાશે.