સુરતમાં ચોતરફ જળંબબાકાર, ખાડીના પાણી ઘરમાં ધૂસ્યા, રેસક્યૂ કાર્ય તેજ કરાયું

સુરત: શહેર અને જિલ્લામાં 23 જૂનથી શરૂ થયેલા મેઘરાજાની મહેર ધીમે ધીમે કહેર બની રહી છે. શહેર ભારે વરસાદ બાદ પાણીથી તળબોળ થયું હતું. જ્યારે વરસાદી પાણી ઓસર્યા ન હતા ત્યાં સિમાડાની ખાડી ઓવર ફ્લો થતા, ખાડીની આજુબાજુ વિસ્તાર જળમગ્ન બન્યા. જેના કારણે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડ્યું. ખાડીઓનું જળસ્તર વધવાથી ઘણા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે.
સિમાડા ખાડી ડેન્જર લેવલ પર
સોમવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી સુરતની ખાડીઓને બંને કાંઠે વહી રહી છે. સિમાડા ખાડી તેના ડેન્જર લેવલથી ઉપર જતા વરાછાના પર્વત પાટિયા, કુંભારિયા, ઓમ નગર, અને ઋષિવિહારમાં પાણી ભરાયું. અઠવા ઝોનના આંબેડકર આઝાદ નગરમાં પણ ખાડીના પાણી ઘૂસતાં રસ્તાઓ પર પૂર આવ્યું. લિંબાયત ઝોનના સંજય નગરના રહેવાસીઓને ભીમનગર શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા. સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદે ફરી ચિંતા વધારી.
સુરત ખાડીઓની સ્થિતિ
સુરતમાંથી પસાર થતી કાંકરા, મીઠી, ભેદવાડ, અને ભાઠેના ખાડીઓ પણ ઉભરાઈ રહી છે, પરંતુ તેમનું જળસ્તર હજુ ડેન્જર લેવલથી નીચું છે. સિમાડા ખાડીનો ઓવરફ્લો મુખ્ય સમસ્યા બન્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ જળમગ્ન થયા. ગત વર્ષે પણ આવી જ પૂરની સ્થિતિએ લોકોને હેરાન કર્યા હતા, અને આ વખતે ફરીથી સમાન પરિસ્થિતિ સર્જાઈ. પૂરના પાણીએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સુરત મહાનગરપાલિકાએ લિંબાયત અને અઠવા ઝોનમાં રાહત કાર્યો તેજ કર્યા છે. કુંભારિયા ગામના ભદર ફળિયામાંથી આઠ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. આ ઉપરાંત સ્થાનિકોને સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી છે.
બે કલાકમાં વરસાદની પરિસ્થિતી
ઉત્તર ગુજરાતમાં અવિરત મેધમહેર યથાવત્ જોવા મળી રહી છે. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીની સરકારી માહિતી પ્રમાણે વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઉપરપાડમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 2 ઈંચ જ્યારે સુરત શહેરમાં 2.2 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. તાપીના વ્યારામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ…