સુરતઃ શિવશકિત માર્કેટમાં સતત બીજા દિવસે લાગી આગ, કરોડો રૂપિયાનું નુકસાન

સુરતઃ શહેરની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગે વિકારળ રૂપ ધારણ કર્યું છે. સાત કલાકથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કાબુમાં નથી આવી રહી. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં જતાં અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી.
20 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઇ હતો. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે.
ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા જેઓ બહાર આવી ગયા છે. ખૂબ મોટા ધડાકા થઇ રહ્યા છે. અલગ-અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે.
આપણ વાંચો: Reliance Mallમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, મુંબઈથી અનંત અંબાણી દોડી આવ્યા
અત્યારે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. કયા કારણોસર આગ લાગી છે તે અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે.
મંગળવારે પણ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.