સુરતમાં પતંગની દોરીએ પિતા-પુત્રીનો લીધો જીવ: 70 ફૂટ ઉપરથી પટકાયો પરિવાર

સુરત: ગુજરાતમાં ઉત્તરાયણનો ઉત્સાહ અનેક પરિવારો માટે કાળમુખો સાબિત થયો છે. ખાસ કરીને સુરતમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે આખા શહેરને હચમચાવી દીધું છે. મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જ્યારે લોકો આકાશમાં પતંગબાજીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે પતંગની આ દોરી જીવલેણ બની હતી. સુરતના એક ફ્લાયઓવર પર સર્જાયેલા અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે, જેમાં પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે.
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની માસૂમ પુત્રી આયેશા સાથે બાઈક પર સવાર થઈ ફરવા નીકળ્યા હતા. બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેમના રસ્તામાં આવી ગઈ હતી. બાઈક ચલાવતી વખતે એક હાથે દોરી હટાવવા જતાં રેહાને સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રેહાન અને આયેશાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ભયાનક અકસ્માતમાં રેહાનની પત્ની રેહાનાનો ચમત્કારિક બચાવ થયો છે. બ્રિજ પરથી નીચે પડતી વખતે તે ત્યાં નીચે પાર્ક કરેલી એક ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે જમીન સાથેની સીધી ટક્કર ટળી ગઈ હતી. જોકે, તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાના સાક્ષી બનેલા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ વર્ષની ઉત્તરાયણ લોહિયાળ રહી છે. રાજ્યમાં અલગ-અલગ અકસ્માતોમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. બાયડ, ખંભાત અને જંબુસરમાં ગળા કપાવાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં 10 વર્ષના બાળક સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે રાજકોટમાં કાર અકસ્માતમાં બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ આંકડાઓ ફરી એકવાર સાવચેતી અને સલામતીના અભાવે સર્જાતી માનવસર્જિત આપત્તિઓ તરફ આંગળી ચીંધે છે.
આપણ વાંચો: ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં અનેક પરિવારોમાં શોક



