ડ્રગ્સનો દરિયો : સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું 5 કરોડનું ચરસ
સુરત: ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સનો દરિયાકિનારો બની ગયો હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પકડાઈ રહ્યો છે. આજે સુરતના સુવાલી બીચ નજીકથી 5 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આ જ સપ્તાહમાં સુરતના હજીરામાં પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
હાલ મળી રહેલી વિગતો અનુસાર સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ ઝડપાયું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મળી રહેલા ડ્રગ્સને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન પોલીસને સુવાલી દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં 5 કરોડનું અફઘાની ચરસ મળી આવ્યું છે. પોલીસ દ્વારા દરિયાકિનારે મળી રહેલા માદક પદાર્થોને લઈને પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે. આ સિવાય ગોંડલ નજીકના ભરુડી પાસેથી પણ સાડા ચારસો ગ્રામ એમ. ડી. ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: ગોવામાં દરેક જગ્યાએ ડ્રગ્સ મળે છે! ગોવા સરકારના પ્રધાનના આ શું બોલી ગયા
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ તથા સુરતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પ્રાપ્ત થયો છે. જેના પગલે નવસારીના દરીયા કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બીલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને દરીયાઈકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગઈકાલે દરિયાકાંઠા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઓંજલ ગામના ચાંગલી ફળીયાથી દાંડી તરફના દરીયા કિનારે અંદાજે પાંચ કિલોમીટરના વિસ્તારમાં જુદી જુદી 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસના અલગ-અલગ વજન તથા માર્કાવાળા ફુલ પેકટ નંગ.50 જેનુ અંદાજીત કુલ વજન 60 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ કુલ જથ્થાની આંતર રાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 30 કરોડ રૂપિયા થવા જાય છે. આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.