સુરતમાં વેપારીએ પૂર્વ પત્નીના ત્રાસથી કર્યો આપઘાત, વીડિયો બનાવીને પીએમ મોદીને કરી આ અપીલ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. મોટા વરાછામાં વેપારી યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને આપઘાત કર્યો હતો. અંતિમ પગલું ભરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો, દર વખતે છોકરાઓએ જ મરીને સાબિત કરવાનું કે સાચો છે તેમ કહ્યું હતું.
શું છે સમગ્ર મામલો
સુરતના મોટા વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડિયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હતો. તેણે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. બાદમાં શીતલ અને પરિવારના ઝઘડા વધી રહ્યા હતાં. મૃતકના આરોપો અનુસાર, શીતલ ઘરના સભ્યો અને તેને હેરાન કરતી હતી.
આપણ વાંચો: ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા બળાત્કારનો આરોપ લાગતા તપાસ પહેલા જ યુવાનનો આપઘાત
જેનાથી કંટાળીને તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું. જયદીપે આપઘાત કરતા પહેલાં પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. આ સિવાય વડા પ્રધાન મોદીને પણ પુરૂષો માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી.
વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા.. મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા.
મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો. હું હારી ગયો છું. શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તેં, હું જાઉ છું, આજ સુધી મેં તને આપેલાં વચન નિભાવ્યા છે. તે મારી લાઇફ ખરાબ કરી. તેં મારી કદર ના કરી. મને જવાબ દેજે.
આપણ વાંચો: મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં સુરત આવેલી મૉડલે આપઘાત કર્યો
મારી સગાઈ થઈ ગઈ હતી, પણ તું સ્યુસાઇડ કરવા જઈ રહી હતી અને મારા પગે પડી હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સાથે જે વચન નિભાવવાનું કહ્યું હતું એ તમામ વચન મેં નિભાવ્યાં હતાં. તારે ઓનલાઇનનો ધંધો કરવો હતો તો મેં તને ધંધો પણ સેટ કરી આપ્યો હતો, પણ તે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું અને તે આ બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી છે.
વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે પોલીસમાં મેં પણ કેસ કર્યો હતો, પણ તે બધાએ મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. છોકરાઓએ મરીને જ સાબિત કરવું પડે છે કે તે સાચો હતો?. પીએમ મોદીને મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવો, જેથી તેને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો.
10 લોકો સામે નોંધ્યો ગુનો
પોલીસે આપઘાત બાદ મળેલી સ્યુસાઈડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વીડિયો આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. આ પૈકી શીતલ અને મોહસિનની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ હાથ ધરી હતી.