સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ બાદ હત્યાનો પ્રયાસ, દુકાનદાર સહિત એક લૂંટારાનું મોત

સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠીત જવેલર્સમાં ચાર લૂંટારૂઓ હથિયારો સાથે ધૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા લૂંટારા દ્વારા ગોળીબાર કરતા દુકાનના માલિકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકો એકઠા થયા હતા અને આરોપીઓને માર માર્યો હતો, જેનાથી એક લૂંટારાનું મોત થયું હતું. જ્યારે ત્રણ લૂંટારા ફરાર થયા હતા.
આ ઘટના 7 જુલાઈના રાત્રે 8:30 વાગ્યા આસપાસ બની હતી. ચાર હથિયારધારી લૂંટરાઓએ શ્રીનાથજી જ્વેલર્સમાં ઘૂસી રિવોલ્વરથી ધમકી આપી. દુકાનના માલિક આશિષ રાજપરાએ વિરોધ કરતાં લૂંટારૂઓએ તેમના પર બે ગોળીઓ ચલાવી, જેમાંથી એક તેમના છાતીમાં વાગી. આશિષભાઈને સચિન હોસ્પિટલ અને પછી એપલ હોસ્પિટલ ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લૂંટારૂઓએ એક થેલીમાં ઝવેરાત ભરીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિકોએ એક આરોપી દીપક પાસવાનને પકડી લીધો.
સ્થાનિકોએ દીપક પાસવાનને માર માર્યો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો અને હોસ્પિટલમાં તેનું મોત થયું. તેની પાસેથી ઝવેરાતની થેલી મળી, જ્યારે બીજી થેલી દુકાનમાં જ રહી ગઈ. પોલીસે જણાવ્યું કે ઘટનામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર થયો. સચિન પોલીસે તપાસ શરૂ કરી છે અને ક્રાઈમ બ્રાન્ચની મદદથી ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…ગોપાલ ખેમકા હત્યા કેસ: એક આરોપી એનકાઉન્ટરમાં માર્યો ગયો, માસ્ટરમાઇન્ડની ધરપકડ