
સુરત: ઓપરેશન સિંદૂરમાં ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક હુમલાઓને નાકામ બનાવ્યા હતા. જેના ભાગરૂપે હવે ડ્રોનની માંગમાં વધારો થયો છે. ત્યારે દેશમાં હથિયાર બનાવતી કેટલીક કંપનીઓેએ ખાસ પ્રકારની ડિઝાઈનના ડ્રોનનું નિર્માણ શરૂ કરી દીધું છે. જેમાં સુરતની ઇનસાઈડ એફપીવી(Inside FPV) કંપનીનો પણ સમાવેશ થાય છે.
ઓપરેશન સિંદૂર બાદ હાઈટેક એટેક ડ્રોનની માંગ
Inside FPV કંપની હાઈટેક એટેક ડ્રોન બનાવી રહી છે. કંપનીના માલિક દેવાંશ ભારદ્વાજે જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર બાદ અમારી કંપનીને ભારતીય સેના તથા અન્ય દેશોમાંથી ડ્રોન બનાવવા માટે સતત ઓર્ડર મળી રહ્યા છે. કંપની હવે એવા ડ્રોનનું નિર્માણ કરી રહી છે, જે દુશ્મન પર મોટાર, મિસાઈલ અને ગ્રેનેડ વડે હુમલો કરવામાં સક્ષમ હશે.”
આ પણ વાંચો: આજથી એક મહિના સુધી જામનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા જાળવવા
‘ત્રિકાલ મેક્સ’ ડ્રોનની ખાસિયત
Inside FPVએ પોતાના નવા હાઈટેક એટેક ડ્રોનને ‘ત્રિકાલ મેક્સ’ નામ આપ્યું છે. આ ડ્રોન સૌપ્રથમ કેમેરા દ્વારા સર્વેલન્સ કરે છે. ત્યારબાદ પોતાના નિશ્ચિત કરેલા ટાર્ગેટ પર હુમલો કરે છે. ડ્રોનની સ્પીડ 200 કિમી/કલાક છે. તે 500 ગ્રામ વિસ્ફોટક વડે 7000 કિમી દૂર સુધી હુમલો કરી શકે છે. એક ડ્રોનમાં 5થી 6 મિસાઈલ લગાવી શકાય છે. નવાઈ વાત એ છે કે, આ ડ્રોનમાં લગાવેલા કેમેરાને ખાસ પ્રકારના ચશ્મા વડે કંટ્રોલ કરી શકાય છે.
Inside FPVના ડ્રોનનો સેનામાં થશે ઉપયોગ
‘ત્રિકાલ મેક્સ’ સિવાય કંપનીએ ‘કામીકાજે’ ડ્રોન પણ બનાવી રહી છે. આ ડ્રોન પોતાના ટાર્ગેટ પર હુમલો કર્યા બાદ પરત આવતું નથી. તેથી તેનો એક જ વખત ઉપયોગ કરી શકાય છે. કંપનીએ પોતાના બંને ડ્રોનના ડેમો વીડિયો અને ફોટો પણ જાહેર કર્યા છે. આ ડ્રોનનો ઉપયોગ સેના તથા સુરક્ષા એજન્સીઓ કરી શકે છે.