ઉત્તરાયણ પહેલા જ સુરતમાં વરતાયો પતંગની દોરીનો કહેર, મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પર વ્યક્તિનું ગળું કપાયું…

સુરત: ઉત્તરાયણના તહેવારને ભલે હજી થોડા દિવસોની વાર હોય, પરંતુ સુરત શહેરમાં પતંગની ઘાતક દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. વાહનચાલકોના ગળા કપાવવાના ગંભીર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સ્થાનિકોની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અડાજણ વિસ્તારની ભક્તિધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પશુપતિસિંહ નામના વ્યક્તિ સાથે આ દુર્ઘટના બની હતી. તેઓ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગની દોરી તેમના ગળા લાગતા અકસ્માત સર્જાયો હતો. દોરી એટલી ઘાતક હતી કે તેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ નીચે પડી ગયા હતા. આ અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓનું ટોળું તરત જ ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે, “આ વ્યક્તિ મજૂરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી ગંભીર હાલતમાં હતા અને તેમને ફરતે લોકોનું ટોળું જમા થયું હતું. અમને લાગ્યું કે તેમને પતંગની દોરીના કારણે ગંભીર ઈજા થઈ છે, તેથી અમે તેમને વધુ સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ.” પશુપતિસિંહને ગળાના ભાગે ઊંડી અને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
ઉત્તરાયણના તહેવારની શરૂઆત થતાં પહેલા જ આવા જીવલેણ કિસ્સાઓ સામે આવવાથી સ્થાનિકો અને દ્વિચક્રી વાહનચાલકોમાં ભારે ભયનું વાતાવરણ છે. ઘાતક દોરીઓના વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ મૂકવા માટે કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે, જેથી તહેવારની ખુશી કોઈના માટે દુર્ઘટના ન બની જાય.
આ પણ વાંચો…આખું ગુજરાત ભલે ધાબા પર ફીરકી પકડીને ઊભું હોય, પણ આ ગામમાં જો પતંગ ચગાવી છે તો…



