બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: રેલવે પ્રધાને બીલીમોરા સ્ટેશનની મુલાકાત લીધી, જાણો કેવું હશે કેરીની થીમ પર આધારિત આ સ્ટેશન?

નવસારીઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના માટે રેલવે મંત્રાલય યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, જેમાં સૌથી પહેલા ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે પહેલા તબક્કામાં દોડાવવામાં આવશે. ગુજરાતમાં બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ પણ મહત્ત્વના તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈને સમગ્ર કામની સમીક્ષા કરી હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્માણાધીન બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. બીલીમોરા શહેર મુખ્યત્વે કેરીના વાવેતર માટે પ્રખ્યાત રહ્યું છે. તેના કારણે જ આ સ્ટેશનની ડિઝાઇન કેરીના બગીચાઓથી પ્રેરિત રાખવામાં આવી છે. આંતરિક અને પ્લેટફોર્મ વિસ્તારો પુષ્કળ કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: બીકેસી અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન પાસે ઊભુ કરાશે બહુમાળીય પાર્કિંગ
હાઇ-સ્પીડ ટ્રેનો દ્વારા થતા કંપનોને ફિટિંગને અસર કરતા અટકાવવા માટે ફોલ્સ સીલિંગમાં એન્ટી-વાઇબ્રેશન હેંગર્સ ફીટ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરેનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બાળકોને ધ્યાને રાખતા લિફ્ટ અને એસ્કેલેટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સ્ટેશન બીલીમોરા શહેરની આગળી ઓળખ સાબિત થવાનું છે.
બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન, બસ, કાર અને ટુ-વ્હીલર માટે અલગ અલગ પાર્કિંગ, ઇવી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ સ્ટેશનમાં IGBCની અનેક સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. જેમ કે કાર્યક્ષમ પાણીનો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ, ઓછા પ્રવાહવાળા સેનિટરી ફિટિંગ, અંદરના ભાગોમાં ગરમીનો ઓછો પ્રવેશ, ઓછા અસ્થિર કાર્બનિક સંયોજન પેઇન્ટ વગેરે સામેલ છે.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…
ક્યાં સુધી પહોચ્યું બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય
બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશનમાં અત્યારે આરસી ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. રેલ લેઇંગ કાર ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝથી ઇન્સ્ટોલેશન સાઇટ સુધી 200-મીટર વેલ્ડેડ રેલ પેનલ્સના પરિવહનને વધારે સરળ બનાવી દે છે. 320 કિમી/કલાકની ઝડપે અવિરત ટ્રેન કામગીરીને સુનિશ્ચિત કરવા માટે સર્વે ચોકસાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉચ્ચતમ વિશ્વસનીયતા અને ચોકસાઈ સાથે અત્યાધુનિક સર્વેક્ષણ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સર્વેક્ષણના તમામ પગલાં બહુ-સ્તરીય ચકાસણીને આધિન છે. દરેક પ્રકારનું બાંધકામ પિન સર્વેક્ષણ અને રીગ્રેશન વિશ્લેષણ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે.
વિગતે વાત કરીએ તો બીલીમોરા પાસે આવેલા કેસલી ગામમાં અંબિકા નદીના કિનારે આ બની રહેલું આ સ્ટેશન અનેક લોકો માટે ફાયદાકારક રહેવાનું છે. કારણ કે અહીંથી બીલીમોરા રેલવે સ્ટેશન માત્ર 6 કિમી, બીલીમોરા બસ સ્ટેશન માત્ર 6 કિમી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-360 માત્ર 2.5 કિમીની દૂરીએ આવેલો છે. એટલે કે, તમામ પ્રકારના પરિવહનને ધ્યાનમાં રાખીને આ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ
- સ્ટેશનમાં બે લેવન આવેલા છે, ગ્રાઉન્ડ-કમ-કોન્કર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ
- કુલ બિલ્ટ-અપ એરિયા: 38,394 ચોરસ મીટર
- ગ્રાઉન્ડ-કમ-કોન્કર્સ લેવલમાં પાર્કિંગ, પિક-અપ/ડ્રોપ-ઓફ, રાહદારી પ્લાઝા, સુરક્ષા ચેકપોઇન્ટ, વેઇટિંગ લાઉન્જ, ટોઇલેટ, એલિવેટર, એસ્કેલેટર, સીડી, કિઓસ્ક, ટિકિટિંગ કાઉન્ટર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે
- પ્લેટફોર્મ લેવલમાં બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક છે
- હાઇ-સ્પીડ ટ્રેનો માટે 425 મીટર લાંબુ પ્લેટફોર્મ બનાવાયું છે
મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું કામ
- 508 કિલોમીટરના રૂટમાંથી 325 કિ.મી.ના વાયડક્ટ્સ અને 400 કિમીના થાંભલા નંખાયા
- 17 નદી પુલ, 5 પીએસસી (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ) પુલ અને 10 સ્ટીલ પુલનું કામ પૂર્ણ
- 216 કિલોમીટરના વિસ્તારમાં 4 લાખથી વધુ અવાજ અવરોધો લગાવવામાં આવ્યાં
- 217 કિલોમીટરના ટ્રેક અને આરસી ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ
- આશરે 57૭ કિમીના રૂટમાં 2,300થી વધુ OHE માસ્ટ સ્થાપિત કર્યા
- પાલઘર જિલ્લામાં સાત પર્વતીય ટનલ પર ખોદકામનું કામ ચાલી રહ્યું છે
- બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્ર) વચ્ચેની 21 કિલોમીટરની ટનલમાંથી 5 કિમીનું કામ પૂર્ણ
- NATM ટનલનું ખોદકામ પ્રગતિમાં છે
- સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલુ છે
- ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અદ્યતન તબક્કામાં છે
- મહારાષ્ટ્રમાં ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે
- મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે