
અમદાવાદઃ નવસારીની પૂર્ણા નદી નજીક આવેલી ડુંગરવાડી પારસી સમાજ માટે પવિત્ર સ્મશાન ભૂમિ છે. પારસીઓ લગભગ 14300 વર્ષ પહેલાં પર્સિયા પરથી ભારતમાં આવ્યા અને ગુજરાતમાં સ્થાયી થયા હતા. નવસારીને પારસી ઇતિહાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આવેલી ડુંગરવાડી અંદાજે 500 વર્ષથી વધુ જૂની છે અને પારસી ધર્મની પરંપરાગત અંતિમ વિધિઓ પણ અહીં જ કરવામાં આવે છે. પરંતુ અત્યારે દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં ડુંગરવાડીની 1 થી 1.5 ચોરસ મીટર જગ્યા સંપાદિત કરવાની નોટિસ આપવામાં આવી હોવાના કારણે પારસીઓ આકરા પાણીએ થયાં છે.
ડુંગરવાડીમાં આવેલા દખ્મા 200 વર્ષથી વધુ જૂના છે
ઇતિહાસ જોઈએ તો, પારસી ધર્મમાં પણ ધરતી, પાણી, વાયુ અને અગ્નિને પવિત્ર માનવામાં આવે છે. આ કારણે, મૃતદેહોને જમીનમાં દફનાવવાને બદલે દખ્મામાં રાખવામાં આવે તેવો તેમને રિવાજ છે. જે વર્ષોથી ચાલ્યો આવે છે. ડુંગરવાડીમાં આવેલા દખ્મા 200 વર્ષથી વધુ જૂના છે. જેના સામે આવેલી નાની અગિયારી પારસી સમાજ માટે પૂજનીય છે. આ સ્થાન ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં ડુંગરવાડીની 1 થી 1.5 ચોરસ મીટર જગ્યા સંપાદિત કરવાની નોટિસ અપાઈ છે. જમીન સંપાદન અધિકારીઓ સ્થળે પહોંચતા, પારસી સમુદાયે શાંતિપૂર્ણ પરંતુ દૃઢ વિરોધ નોંધાવ્યો છે.
આ જગ્યા પારસીઓની શ્રદ્ધા અને ઇતિહાસ સાથે જોડાયેલી છે
આ મામલે પારસીઓનું કહેવું છે કે, આ જમીન માત્ર માપનો મુદ્દો નથી, પરંતુ તેમની શ્રદ્ધા અને ઇતિહાસ સાથે જોડાયેલી છે. પારસી આગેવાનો જણાવ્યું કે, વર્ષ 2017-18માં NH 64 પહોળો કરતી વખતે પારસી સમાજે સરકારને 28,000 ચોરસ ફૂટ જમીન આપી હતી. આ સાથે જવાબદારી સ્વીકારીને 35 લાખ રૂપિયાની દીવાલ પણ બનાવવામાં આવી હતી. જોકે, હવે ડુંગરવાડીની અંદર આવેલી 200 વર્ષ જૂની ઇમારતો દીવાલની નજીક આવી ગઈ હોવાથી વધુ જગ્યા આપવી અશક્ય છે.
નવસારીના પ્રાંત અધિકારીએ યોગ્ય માર્ગ શોધવાની ખાતરી આપી
પારસી સમાજના વિરોધ પછી નવસારીના પ્રાંત અધિકારીએ આગેવાનોની રજૂઆતો સાંભળી છે. એટલું જ નહીં પરંતુ આ મામલે સંબંધિત વિભાગ અને કન્સલ્ટન્ટને જાણ કરાયા બાદ યોગ્ય વિકલ્પ શોધવાની ખાતરી પણ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્રાંત કચેરીમાં બેઠક બોલાવવામાં આવશે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, કોઈ પણ ભોગે પારસીઓ ડુંગરવાડીની જમીન આપવા માટે તૈયાર નથી કારણ તે તેમની આસ્થાનું કેન્દ્ર છે.



