નવસારી

નવસારીના અમલસાડમાં લગ્નના જમણવારમાં વરરાજા સહિત 155 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર…

(અમારા પ્રતિનિધિ તરફથી)

નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જમણવારમાં ભોજન લીધા બાદ અંદાજે 155થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આટલા લોકોને ફુડ પોઈઝનિંગ થતા લગ્ન પ્રસંગ હોસ્પિટલમાં ફેરાવાઈ ગયો હતો. આ લગ્ન પ્રસંગમાં 1000 જેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું. જેમાંથી 155 લોકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

155 લોકોને ફુડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

અમલસાડ ગામના વિકાસ ફળિયામાં રહેતા ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલના લગ્ન હતાં. આ દરમિયાન જમણવારમાં ભોજન લીધા બાદ અંદાજે 155થી વધુ મહેમાનોને એકાએક ઉબકા, ઉલ્ટી, ઝાડા અને ગેસ જેવી તકલીફો શરૂ થઈ હતી. મહેમાનો સાથે સથે વરરાજાને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક વિવિધ કેન્દ્રો પર સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. 32 દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, 22 દર્દીઓને કૃષ્ણપુર પીએચસીમાં, 22 દર્દીઓને મંદિર ગામ પીએચસીમાં અને બાકીની 50થી વધુ દર્દીને આસપાસની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

લગ્ન પ્રસંગના જમણવારનું મેનુ શું હતું?

લગ્નના જમણવારમાં દૂધીનો હલવો, છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓ રાખવામાં આવી હતી. આ વસ્તુ ખાતાની સાથે 155 લોકો બીમાર પડ્યાં હતા. હવે આમાંથી કઈ વસ્તુ ખાવાના કારણે લોકોની તબીયત લથડી તેની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં પ્રમાણે 155 લોકોમાંથી 60 લોકો હજી સારવાર હેઠળ છે. આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button