
નવસારી: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવાના ધ્યેય સાથે નવસારીમાં રાજ્યનું સૌથી આધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેશનનું નિર્માણ રૂ. 82 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેની સુવિધાઓ એવી છે કે તે કોઈ એરપોર્ટથી જરાય ઉતરતું નથી. મુસાફરોના પ્રવાસને વધુ આરામદાયક, સુરક્ષિત અને મનોરંજક બનાવવાના ઉદ્દેશ્યથી અહીં અસાધારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જે ગુજરાતના જાહેર પરિવહન ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે.
નવસારીના આ હાઈટેક બસ પોર્ટમાં મુસાફરોની સગવડતા અને મનોરંજન માટેની દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુસાફરીની રાહ જોવામાં કે રોકાણ દરમિયાન કંટાળો ન આવે તે માટે અહીં ૩ મલ્ટિપ્લેક્સ થિયેટરની સુવિધા ઉપલબ્ધ છે. ખાણી-પીણીના શોખીનો માટે આ બસ સ્ટેશન સ્વર્ગ સમાન છે, જ્યાં 11 ફૂડ કોર્ટનો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. આ ફૂડ કોર્ટમાં એકસાથે ૩,૦૦૦ લોકો આરામથી ભોજન કરી શકે તેવી ક્ષમતા છે. આ ઉપરાંત, બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા માટે 150 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે 24 કલાક નિગરાની રાખશે.

આ અદ્યતન બસ પોર્ટની વિશેષતા માત્ર ફૂડ કોર્ટ અને મનોરંજન પૂરતી સીમિત નથી. લાંબા અંતરના પ્રવાસીઓ અને બસ પોર્ટની મુલાકાતે આવતા લોકો માટે અહીં અનેક લક્ઝરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મુસાફરોના રોકાણ માટે આ બસ પોર્ટમાં 67 રૂમની આલીશાન હોટલ બનાવવામાં આવી છે, જેની સાથે સ્વિમિંગ પૂલની સુવિધા પણ આપવામાં આવી છે. શોપિંગના શોખીનો માટે અહીં ગ્રાઉન્ડ પ્લસ ટૂ (G+2) હાઇપર માર્કેટ અને 2 સુપર માર્કેટ પણ તૈયાર કરાયા છે. આ ઉપરાંત, સામાજિક પ્રસંગોનું આયોજન કરવા માટે 4 ભવ્ય બેન્ક્વેટ હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

સામાન્ય રીતે જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા માથાનો દુખાવો બની જતી હોય છે, પરંતુ નવસારીના આ બસ ડેપોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. અહીં 117000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ વિશાળ પાર્કિંગમાં એકસાથે 753 ટુ-વ્હીલર અને 252 ફોર-વ્હીલર વાહનો પાર્ક કરવાની ક્ષમતા છે. મુસાફરીની સુવિધા, મનોરંજન, રોકાણ અને વાહન પાર્કિંગ એમ દરેક મોરચે આ બસ સ્ટેશન એક બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.
આ પણ વાંચો…આનંદો મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને હવે નવસારી સ્ટેશનનો મળ્યો હોલ્ટ



