નવસારી

કેન્દ્રમાં જલશક્તિ મંત્રાલય, પણ નવસારીમાં જળ સંકટઃ અમિત ચાવડાનો પાટીલ પર પ્રહાર

નવસારીઃ ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દક્ષિણ ગુજરાતના નવસારીમાં પહોંચી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નવસારીના સાંસદ અને દેશના જલમંત્રી સી આર પાટીલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રીના વિસ્તારમાં જ પીવાનું પાણી નથી મળી રહ્યું.

શું બોલ્યા અમિત ચાવડા

અમિત ચાવડાએ કહ્યું, નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાંથી લોકોએ જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. એક તરફ વિકાસની વાતો કરે છે. આ નવસારીના સાંસદ દેશના જલમંત્રી છે, પણ શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. મહિલાઓ વોર્ડે વોર્ડે પીવાના પાણીના કકળાટથી ત્રસ્ત થઈ રહી છે. ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસ આપવામાં આવી રહી છે.

સરકાર કોઈને પાકા મકાન કે ઘરનું ઘર તો નથી આપતી પણ વર્ષોથી બાપ-દાદાએ બનાવેલા મકાન તોડવામાં આવી રહ્યા છે. નવસારી શહેરમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ અહીંના રસ્તા સારા નથી બનતાં. અહીંના લોકોના સુખાકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી. ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે, તબાહી થાય છે તેના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી. ચારેબાજુ ભ્રષ્ટાચાર, પોલીસની દાદાગીરીની ફરિયાદો છે. દારૂ અને ડ્રગ્સના કારણે યુવાપેઢી બરબાદ થઈ જાય છે.

મોદી ઝિંદાબાદ એવું ચાર વાર બોલજો અને જો તમને…..

અમિત ચાવડાએ બે દિવસ પહેલા એક કાકાનું ઉદાહરણ આપતાં કહ્યું, કાકા કહે છે મોદી અનાજ આપે છે. મેં કહ્યું- કાકા મોદી કઈ રીતે અનાજ આપે છે? તો કહે – તેની પેલી થેલી લઈને જઈએ તેમાં અનાજ આપે છે. આપણા ધરમપુર બાજુ મોદીના ફોટાવાળી થેલીઓ આપી છે? એ કાકાને મેં કીધું- એક કામ કરજો, કાકા આવતા મહિને અનાજ લેવા જાવ તો રેશનકાર્ડ ઘેર મૂકજો. મોદીના ફોટાવાળી થેલી હાથમાં લઈને દુકાન પર જજો. મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો અને મોદી ઝિંદાબાદ એવું ચારવાર બોલજો અને જો તમને અનાજ આપે તો માનજો આ મોદીનું અનાજ છે.

જો તમને અનાજ ન આપે તો બીજે દિવસે ફરી જજો. આ દિવસે મોદીના ફોટાવાળી થેલી ઘરના ખૂણામાં નાંખીને જજો. તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશનકાર્ડ લેજો, દુકાનદારના ટેબલ પર જઈ રેશનકાર્ડ પછાડીને કહેજો – અનાજ આપ, એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જો તમારી જૂની થેલીમાં અનાજ આપે તો માનજો આ મોદીનું અનાજ નથી હોતું. રેશનકાર્ડ પર અંત્યોદય, બીપીએલ, ફૂડ સિક્યોરિટીના સિક્કા મારેલા હોય છે. આ અનાજ મોદીની થેલીઓ કે મોદી ઝીંદાબાદ બોલવાથી નથી મળતું પરંતુ તમારા રેશનકાર્ડ પર મારેલા સિક્કાને કારણે મળે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button