મુંબઇથી 1.5 કરોડનું કોકેન ગુજરાત પહોંચ્યા પૂર્વે એસએમસીનો સપાટો; નાઈજિરિયન મહિલા પકડાઈ

નવસારી: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે SMCએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર એક નાઈજિરિયન મહિલાની 1.5 કરોડ રૂપિયાના કોકેન સાથે ધરપકડ કરી છે. જો કે મહિલા અગાઉ પણ આ પ્રકારના ગુના આચરી ચૂકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બાતમીના આધારે SMCએ ગોઠવી વોચ
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે નવસારી નજીક વોચ ગોઠવી હતી.
આપણ વાંચો: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહીઃ 2000 કરોડ રુપિયાનું 500 કિલો કોકેન પકડ્યું…
આ દરમિયાન નવસારી નજીક મહારાષ્ટ્રથી આવતી એક કારને રોકી અને તેની તપાસ કરતાં જેમાં એક નાઈજિરિયન મહિલા પાસેથી 1.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.
નાઈજિરિયન મહિલાની ધરપકડ
પોલીસ તપાસમાં મહિલાએ પોતાનું નામ માર્કેટ એની મગ્બુડોમ હોવાનું જણાવ્યું. તે 7 ઓગસ્ટના રોજ નાઈજિરિયાથી દિલ્હી આવી હતી અને હાલમાં તે મુંબઈના મીરા રોડ પર રહે છે.
આપણ વાંચો: ઍરપોર્ટ પર કેનિયન મહિલાની ધરપકડ: 10 કરોડનું કોકેન જપ્ત
મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ઇલ્ડર નામના વ્યક્તિના નિર્દેશ પર કામ કરતી હતી અને મુંબઈમાં ઇમેન્યુઅલ પાસેથી કોકેન લઈને ગુજરાત જતી રહી હતી. આ પહેલા તે 10 થી 12 વખત ગુજરાતમાં કોકેન લાવી ચૂકી હતી.
કડોદરામાં થવાની હતી ડિલિવરી
વળી તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની કોકેન ડિલિવરી નવસારી, પલસાણા, કડોદરા અને સુરતની આસપાસ કરવામાં આવતી હતી. આ વખતે પણ તે કડોદરામાં ડિલિવરી કરવાની હતી પણ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધી હતી. હવે પોલીસ મુંબઈથી ડ્રગ્સ મોકલનારાઓ અને અન્ય વેપારીઓ વિશે માહિતી એકત્રિત કરીને આ મામલાની તપાસ કરી રહી છે.