નવસારી પલસાણા હાઈવે પરથી LSD ડ્રગ્સ સાથે 3 ઝડપાયા: મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

નવસારી: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે નવસારીના પલસાણા હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને LSD ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. SMCને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને ડ્રગ્સની ડિલિવરી થાય તે પૂર્વે જ ઝડપી લીધા હતા.
ઘટનાની વિગતો મુજબ એસએમસીના પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જેનીશ પટેલ નામનો શખસ નવસારીથી પલસાણા તરફ જતાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ખેતલા આપા ટી સ્ટોલ પાસે LSD ડ્રગ્સની ડિલિવરી આપવા આવવાનો છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે શંકાસ્પદ મોટરસાઇકલ પર જેનીશ પટેલ ત્યાં પહોંચ્યો હતો, ત્યારે પોલીસે તેને તથા તેની સાથેના અન્ય બે શખસોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: ગુજરાત પોલીસની ડ્રગ્સ નિયંત્રણ માટે પહેલ, બાતમી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો
પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કોમર્શિયલ ક્વોન્ટિટીમાં LSD પેપરની 44 સ્ટ્રીપ્સ જેનો વજન 2 ગ્રામ 30 મિલિગ્રામ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1,32,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમની પાસેથી 33.8 ગ્રામ ગાંજો અને અન્ય સામાન મળી કુલ 1,97,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી જેનીશ મુકેશભાઈ પટેલ નવસારીના જલાલપોર તાલુકાના સરાવ ગામનો રહેવાસી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર વાસુદેવ ઈશ્વર પાટીલ છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આ મામલે સ્ટેટ મોનિરિંગ સેલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે એન. ડી. પી. એસ. (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.



