નવસારી

લાઇટબિલથી લાગ્યો “કરંટ” : છાપરામાં રહેતા પરિવારને વીજકંપનીએ આપ્યું 20 લાખનું બિલ

નવસારી: નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની એક ઘોર બેદરકારી સામે આવી છે. બીલીમોરામાં મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારને વીજ કંપનીએ 20 લાખનું બિલ પધરાવી દીધું છે. જે પરિવારને દર મહિને 2 હજાર જેટલું બિલ આવે છે તે પરિવારને કંપનીએ 20 લાખ રૂપિયાનું બિલ ફટકારતા ગરીબ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બાદમાં વિજકંપનીએ પોતાની ભૂલને સુધારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીમાં DGVCLની એક મોટી બેદરકારી સામે આવી છે. જિલ્લાના બીલીમોરામાં એક પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાએ ઘરમાં માત્ર ઇલેક્ટ્રિક સાધનોમાં ચાર પંખા, એક ટીવી અને એક ફ્રીજ જ હોવા છતાં વીજ કંપનીએ 20 લાખ રૂપિયાનું લાઇટબિલ ફટકાર્યું છે. આ સાથે જ પરિવારન ચારમાંથી ત્રણ સભ્યો કામ પર બહાર જ હોય છે. આમ છતાં એકસામટું 20 લાખનું બિલ આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. DGVCLના મીટર રીડરે તેમને જૂન-જુલાઈ મહિનાનું વીજ વપરાશનું 20 લાખ 1 હજાર 902 રૂપિયાની રકમનું બિલ આપ્યું હતું.

આ પણ વાંચો: ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી

પેટ્રોલ પંપ પર કામ કરતા પંક્તિ પટેલે જણાવ્યું કે, અમારો પરિવાર ચાર વ્યક્તિનો છે અને હું પેટ્રોલ પંપ પર કામ કરું છું. અમારા ઘરમાં ચાર બલ્બ, ચાર પંખા, ફ્રીજ અને એક ટીવી છે. ચારમાંથી ત્રણ સભ્યો આખો દિવસ કામ પર જાય છે. સામાન્ય રીતે વીજળીનું બિલ દર બે મહિને માત્ર રૂપિયા 2,000 થી 2,500 આવે છે, જે અમે સમયસર ભરી દઈએ છીએ. અમારૂ કોઇ બાકી બિલ નથી, પરંતુ છેલ્લું બિલ જે આવ્યું છે તેણે અમારી ચિંતા વધારી છે.

જ્યારે અમે આ બાબતે વીજ કંપનીની ઓફિસ પરના અધિકારીને ફરિયાદ કરી તો તેમણે પૈસા આપીને અરજી કરવા કહ્યું. આથી અમારે તો અમારૂ કામ ધંધો બગાડીને વીજ કંપનીની ઓફિસે ધક્કા ખાવાની સ્થિતિ ઉભી થઈ હતી. જો કે આ બાબતની જાણકરી જ્યારે જીઇબીના અધિકારીને મળી ત્યારે તેમણે તરત જ મીટર રીડરની ભૂલને સુધારીને એક કલાકમાં જ નવું બિલ આપ્યું હતું. જેથી પરિવારને પણ રાહત મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button