Google Mapને ભરોસે નર્મદાના જંગલમાં ટ્રેકર્સ ફસાયા, માતાની એક ટ્વિટથી પોલીસે કલાકોમાં બચાવ્યાં

નર્મદાઃ જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલા જંગલોની ટ્રેકિંગ સફર એક રોમાંચક અનુભવ હોય છે, જ્યાં પાંચ સૉફ્ટવેર એન્જિનિયર ભૂલા પડ્યા, પણ પરિવારની સતર્કતાને કારણે પોલીસે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ગૂગલ મેપે આ યુવાનીઓને એવા ગોટે ચડાવ્યા કે ગાઢ જંગલમાં રખડતા રખડતા ફસાઈ જવાની નોબત આવી હતી. આશરે ચાર કલાકથી વધુ સમય સુધી રસ્તો શોધવાની નિષ્ફળ કોશિશ બાદ અંતે એક યુવક કોલ લાગ્યો તેની માતા અને સોશિયલ મીડિયાની મદદ ગુજરાત પોલીસ પહોંચી યુવાનો સુધી અને યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટના ટેક્નોલોજીની મર્યાદાઓ અને માનવીય સહાયની શક્તિનું ઉદાહરણ બની ગઈ.
એક યુવકે પોતાની માતાને ફોન કરીને મદદ માંગી.
આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વતની પાંચ યુવકો હિતેશ સુરેશ પેનમુસુ, હિમતેજ વારા પ્રસાદ વલ સ્વામી, વિકિયાત નાગેશ્વર રાવ ચિલિયાલા, લિખિત ચૈતન્ય મેકા અને સુશીલ રમેશ ભંડારૂ નર્મદા જિલ્લાના જરવાણી ગામ નજીકના જંગલમાં ટ્રેકિંગ માટે ગયા હતા. તેઓ ગૂગલ મેપની મદદથી તુંગઈ હિલ પહોંચવા માંગતા હતા. સવારે જરવાણી ગામના ભાંગડા ફળિયા નજીક બાઇક મૂકીને તેમણે ટ્રેકિંગ શરૂ કર્યું હતું, પરંતુ ગૂગલ મેપની ખોટી દિશાઓએ તેમને બપોરે 2:30 વાગ્યે જંગલમાં ભટકાવી દીધા. રસ્તો નહીં મળતા એક યુવકે પોતાની માતાને ફોન કરીને મદદ માંગી.
I have asked DGP Gujarat to help them.Please share family contact & missing person details ASAP. https://t.co/UAQ0253tjN
— Harsh Sanghavi (@sanghaviharsh) October 12, 2025
સોશિયલ મીડિયાને કારણે યુવાનોને શોધવામાં મદદ મળી
યુવકની માતા, સુભાષિણી, જેઓ તેલંગાણામાં TDPની ભૂતપૂર્વ રાજ્ય સંગઠન સચિવ છે, તેમણે તરત જ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું કે તેમનો પુત્ર અને તેના ચાર મિત્રો ગુજરાતના જંગલમાં ભટકી ગયા છે. આ ટ્વીટ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યું, જેમણે તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વન વિભાગને સૂચના આપી. નર્મદા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને સ્થાનિક ગ્રામજનોની મદદથી પાંચેય યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
પોલીસ અને સ્થાનિકોની સહાય
બચાવાયેલા યુવકોએ જણાવ્યું કે તેઓ વડોદરાની એક એન્જિનિયરિંગની કૉલેજમાં અભ્યાસ કરે છે અને અહિં ટ્રેકિંગ માટે આવ્યા હતા. તેમણે ગુજરાત પોલીસ, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોનો આભાર માન્યો, જેમણે ચા-નાસ્તો આપવા ઉપરાંત તેમના બચાવ માટે તમામ વ્યવસ્થા કરી. સુભાષિણીએ પણ સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત પોલીસની GP-SMASH ટીમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ફરી એકવાર ઝડપી સહાયની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
નેટવર્ક ગયું હોત તો મુશ્કેલી ઊભી થઈ હોત
પોલીસે જણાવ્યું કે યુવકોએ સમયસર તેમની માતાને જાણ કરી, જેના કારણે બચાવ શક્ય બન્યો. જો રાત થઈ જાત અને મોબાઇલ નેટવર્ક ગયું હોત, તો પરિસ્થિતિ વધુ જટિલ બની શકી હોત. આ ઘટના ગૂગલ મેપની ખામીઓને ઉજાગર કરે છે, જે ઘણી વખત ખોટી દિશાઓ બતાવીને મુશ્કેલી ઊભી કરે છે. ટ્રેકિંગ પહેલાં સ્થાનિક માર્ગદર્શકોની સલાહ અને સાચી માહિતી લેવાની પોલીસે સલાહ આપી છે.