ચૈતર વસાવાની ધરપકડથી રાજકારણ ગરમાયું, દેડીયાપાડામાં 144ની કલમ લાગુ

નર્મદા: જિલ્લાના દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેની ઝઘડાની ઘટના બાદ ચૈતર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેને પગલે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી છે. આ ઘટના બાદ રાજપીપળામાં તેમના સમર્થકોનો ધસારો વધવા લાગ્યો. જેના કારણે પોલીસે કલમ 144 લાગુ કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી.
દેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરી (ATVT)ની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી. ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા, જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
ચૈતર વસાવાએ તાજેતરમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે AAPએ આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. જ્યારે સમર્થકોનો આક્ષેપ છે કે ભાજપના ઈશારે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે. નર્મદા પોલીસે SRP ટુકડીઓ તૈનાત કરીને કાયદો-વ્યવસ્થા જાળવી રાખી હતી.
પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કલમ 144નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સૂત્રો અનુસાર, આગામી સમયમાં ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે. આ મામલે રાજકીય ગરમાગરમી વધી છે.
આ પણ વાંચો…ડેડીયાપાડાના આપના ધારસભ્ય ચૈતર વસાવાની અટકાયત પર કેજરીવાલે શું કહ્યું?