ગુજરાતના રાજકારણમાં ભૂકંપ: ભાજપને ઝટકો, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

ભરુચઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં વસાવા પરિવારનો દાયકાઓથી દબદબો રહ્યો છે. હવે જ્યારે તેણે ભાજપનો સાથ છોડ્યો છે તેનો સીધો લાભ કોંગ્રેસને થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આજે ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક અને કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
દાહોદના કાળીમહુડી ગામમાં યોજાયેલી જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમણે મહેશ વસાવાને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ કહ્યું હતું કે, ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓને એક કરી લડત આપીશું.
આપણ વાચો: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિજય…
કોંગ્રેસની ગુજરાત જનઆક્રોશ યાત્રા હાલ દાહોદ જિલ્લામાં ફરી રહી છે. આ યાત્રા જ્યારે કાળીમહુડી સભાસ્થળ ખાતે પહોંચી ત્યારે ત્યાં મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. સભા પહેલા પ્રદેશના નેતાઓ અને મહેશ વસાવાએ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કર્યા હતા. કાળીમહુડી સભામાં મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ વસાવા ગત લોકસભા ચૂંટણી પહેલા પોતાના પિતાની પાર્ટી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) છોડી ભાજપમાં જોડાયા હતા. જોકે, થોડા સમય પહેલા જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપ અને RSS ની વિચારધારા સાથે મેળ ન ખાતો હોવાનું અને બંધારણનું પાલન ન થતું હોવાનું કારણ આપીને ભાજપનો સાથ છોડ્યો હતો.



