ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, હત્યા કેસમાં કોર્ટે 72 દિવસમાં જ આપ્યો ચુકાદો, આરોપીને ફટકારી ફાંસીની સજા

ભરૂચઃ ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને ગંભીર ઈજા પહોંચતા 8 દિવસની સારવાર બાદ મોત થયુ હતું.
સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપી વિજય પાસવાને કબૂલાત કરી હતી કે, દુષ્કર્મ બાદ મે પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી હતી. બનાવના 72 દિવસમાં સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું.
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ડિસેમ્બર 2024માં 10 વર્ષીય બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાના માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આરોપીએ ક્રૂરતાપૂર્વક બાળકીના શરીર પર આશરે 30 ઘા કર્યા હતા. આ જઘન્ય અપરાધ માટે કોર્ટે આરોપીને ફાંસીની સજા અને પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની આપવાનો આદેશ કર્યો હતો.
આ મામલામાં ભરૂચના એસપી મયુર ચાવડાના નેતૃત્વમાં એસઆઈટીએ વિસ્તૃત તપાસ કરી હતી. જેમાં 10થી વધારે અધિકારીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. સરકારી વકીલ દિનેશ પંડ્યાએ આ મામલાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવીને કોર્ટમાં મજબૂત દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા.
ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું., અંકલેશ્વરના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત માત્ર 72 દિવસમાં જ ચુકાદો આવ્યો અને પીડિત પરિવારને ન્યાય આપ્યો.