પશુઓ ક્રૂરતાનો ભોગ બને તે ચલાવી લેવાય નહિ: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યાઓ અને ખરાબ રસ્તાને લઇને આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં માલધારી સમાજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
અમદાવાદમાં ઘણા દિવસોથી ઢોરવાડામાં પશુઓ જાળવણીના અભાવે મોતને ભેટતા હોવાનો તેમજ મૃત પશુઓનો પણ યોગ્ય નિકાલ ન થતો હોવાનો મુદ્દો ગાજ્યો છે, ત્યારે આ અંગે ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લીધી હતી.
માલધારી સમાજે પશુઓ સાથે થયેલી ક્રૂરતાના ફોટા તથા વાઇરલ થયેલા વીડિયો કોર્ટ સમક્ષ મુક્યા હતા. કોર્ટે તમામ રિપોર્ટ્સ જોઈને સરકાર અને AMCને આદેશ કર્યો હતો કે રાજ્યમાં કેટલા પશુવાડા છે, તેની કેટલી ક્ષમતા છે, ત્યાં પશુઓને કેવી રીતે ટ્રીટમેન્ટ મળે છે, મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે કે કેમ વગેરે વિગતો આપો. આ દરમિયાન પ્રીવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટ અંતર્ગત આરોપીઓ સામે પગલાં લેવા કોર્ટે જણાવ્યું હતું.
એક અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. ત્યારે કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે માણસોની ભલાઈ ખાતર પશુઓ ઉપર ક્રૂરતા આચરી શકાય નહીં.
ગુજરાત હાઇકોર્ટમાં વકીલ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકાર સામે કંટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ પણ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા.
પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળીયા ફાઈલ કરવામાં આવે છે, પરંતુ કોઈ ગ્રાઉન્ડ એક્શન લેવાતું નથી. હાઇકોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે એક અલગ રિપોર્ટ મંગાવ્યો હતો જે પરિસ્થિતિ છે જેમ છે તેમ જ હોવાનું જણાવતો હતો. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે.