છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા કે ક્ષત્રિય? જાણો શું છે ઐતિહાસિક સત્ય?

Chhatrapati Shivaji Maharaj Patidar or Kshatriya: સુરત ખાતે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય ‘રાજસ્વી સન્માન સમારોહ’ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટિલે પાટીદાર હોવાને વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજને યાદ કર્યા હતા. ખાસ વાત તો એ છે કે તેમણે કહ્યું હતું કે, “મને કહેતા આનંદ થાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા.” જોકે, સી.આર. પાટીલના આ નિવેદનને લઈને ઈન્ટરનેટ પર હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ‘મુંબઈ સમાચારે’ આ વાતનું ઐતિહાસિક સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. આવો જાણીએ, ઇતિહાસકારો અને લેખકો છત્રપતિ શિવાજી મહારાજની જ્ઞાતિ વિશે કેવો મત ધરાવે છે.
‘છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા?’
માર્કસવાદી વિચારધારા ધરાવતા મરાઠી લેખક ગોવિંદ પાનસરેએ તેમના જાણીતા પુસ્તક ‘શિવાજી કોણ હતા?’માં છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને બહુજન દૃષ્ટિકોણથી રજૂ કર્યો છે. પાનસરેના પુસ્તકની મરાઠી આવૃત્તિ ‘શિવાજી કોણ આહે ?’ બૌદ્ધિકોમાં અત્યંત લોકપ્રિય થઈ હતી. મૂળ વ્યાખ્યાનને આધારે પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ આ કૃતિની એક લાખ ઉપરાંત નકલો વેચાઈ છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજીની રાજ્યતંત્રના સંચાલન વિશેની વિચારસરણી પર તેમણે નવેસરથી પ્રકાશ પાડ્યો છે.

‘શિવાજી કોણ આહે?’માં ગોવિંદ પાનસરેએ લખ્યું છે કે, છત્રપતિ શિવાજી મહારાજ ક્ષત્રિય નહોતા. તેમને પાછળથી શિવાજીને પછીથી “ક્ષત્રિય” જાહેર કરવામાં આવ્યા. જન્મથી તેઓ પરંપરાગત વૈદિક ક્ષત્રિય વર્ણમાં આવતા નહોતા. ગોવિંદ પાનસરેના મતે છત્રપતિ શિવાજી મહારાજ કુણબી-મરાઠા, એટલે કે શુદ્ર હતા, જે તે સમયનો ખેડૂત અને શ્રમિક વર્ગના પરિવારના હતા.
બ્રાહ્મણ વર્ગે પણ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો વિરોધ કર્યો હતો, કારણ કે તેઓને ક્ષત્રિય માનવામાં આવતા નહોતા. અંતે કાશીથી ગાગા ભટ્ટને બોલાવી તેમને વિધિવત રીતે ક્ષત્રિય ઘોષિત કરવામાં આવ્યા. આને પાનસરે રાજકીય-ધાર્મિક સમજૂતી ગણાવે છે.
છત્રપતિ શિવાજી મહારાજ સાથે અન્યાય થયો?
કેટલાક સામાજિક ઇતિહાસકારો કહે છે કે, મરાઠા સમાજમાં શિવાજીના કુટુંબની મૂળ ઓળખ કુનબી (ખેડૂત વર્ગ) સાથે સંકળાયેલી હતી. મહારાષ્ટ્રમાં સામાજિક કર્યો કરનાર જ્યોતિબા ફુલે માનતા હતા કે, છત્રપતિ શિવાજી મહારાજ શૂદ્ર અને ખાસ કરીને કુણબી/મરાઠા એટલે ખેડૂત વર્ગમાંથી આવ્યા હતા. ડૉ. બી આર આંબેડકરે પણ શિવાજીના ક્ષત્રિય હોવાના દાવા પર શંકા વ્યક્ત કરી હતી અને તેમના મતે શિવાજી શુદ્ર રાજા હતા, અને તેમનું મહત્ત્વ જાતિ કરતાં સામાજિક ક્રાંતિમાં વધારે છે.
2002માં ગુજરાતી ભાષામાં મણિલાલ જી કપૂરીયા અને ભરત સી ધડુક, બંને પટેલ જ્ઞાતિના લેખકો દ્વારા લખાયેલા પુસ્તક “લેઉઆ-કડવા કણબી વર્ણ વ્યવસ્થામાં વેશ્ય કે શુદ્ર” આ પુસ્તકના ‘શૂદ્ર ગણીને છત્રપતિ તથા સરદારને અન્યાય’ શિર્ષક હેઠળના પ્રકરણમાં પણ છત્રપતિ શિવાજી મહારાજનો કુણબી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખકો લખે છે કે પોતાના રાજ્યમાાં રાજા તરીકે રાજ્યાણભિેક કરવાની તૈયારી છત્રપતિ શિવાજીએ શરૂ કરી તો મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ કહ્યું કે શિવાજીએ નાનપણથી જનોઈ ધારણ કરી નથી, કુણબી જાતિમાં જન્મ્યા હોવાથી શૂદ્ર છે અને શૂદ્રને રાજતિલક ન કરી શકાય.
આ પણ વાંચો…CR પાટીલે છત્રપતિ શિવાજી મહારાજને પાટીદાર ગણાવ્યાં, શું મહારાષ્ટ્રમાં વિવાદ છેડાશે?

છત્રપતિ શિવાજી મહારાજ વિશે જુદો જુદો મત
ઉપરોક્ત સંદર્ભો ઉપરાંત છત્રપતિ શિવાજીની જાતિ વિશે જો વિવિધ ઇતિહાસકારોના મત જોવામાં આવે તો ઘણા પરંપરાગત અને આધુનિક ઇતિહાસકારો માને છે કે, શિવાજી મરાઠા ક્ષત્રિય હતા.તેઓ ભોંસલે વંશના હતા અને પોતાનો વંશ રાજપૂત ક્ષત્રિયોથી જોડાતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, સૌથી મોટી વાત એ છે કે શિવાજી મહારાજ કોઈ એક જ્ઞાતિ કે વર્ગના સીમાડાઓમાં સમાય તેવા વ્યક્તિત્વ નહોતા. ઇતિહાસકારો ભલે તેમની જાતિ વિશે અલગ-અલગ મતો ધરાવતા હોય, પણ સત્ય એ છે કે તેઓ ‘રૈયતના રાજા’ હતા. તેમની લડાઈ અન્યાય સામે હતી અને તેમનું શાસન દરેક ધર્મ અને જ્ઞાતિના ગરીબ માણસ માટે હતું. તેથી આજે દરેક ભારતીય વ્યક્તિ તેમના પર ગર્વ કરે છે.



