કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો ગુજરાતની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?
નવી દિલ્હી: આગામી લોકસભા (Loksabha Election 2024)ને લઈને કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. ઉમેદવારોની બીજી યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આસામ સહિત ઉમેદવારોમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ જોવા મળ્યા છે, પરંતુ તેમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની CECની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ તેની પ્રથમ ઉમેદવારોની યાદી 8 માર્ચે જાહેર કરી હતી. ચાલો જાણીએ ગુજરાતના ક્યા નેતા ક્યાથી ઉમેદવારી કરશે…
બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પોરબંદરથી લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. અનંત પટેલને વલસાડથી ઉમેદવાર બનાવાયા છે. ગુજરાતના 7 ઉમેદવારના નામ આ બીજી યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે.
કચ્છ (SC)થી નિતિશભાઈ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમ (SC) થી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી (ST) સિધ્ધાર્થ ચૌધરી અને વલસાડથી (ST) અનંતભાઈ પટેલ એમ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો કોંગ્રેસે મધ્યપ્રદેશની છિંદવાડા સીટ માટે નકુલ નાથને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાનને પણ ચુરુથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ યાદીમાં 7 જનરલ, 13 OBC, 10 SC, 9 ST અને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.