
આણંદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવ્યાં હતા. રાહુલ ગાંધીએ આણંદ ખાતે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લીધો હતો અને કૉંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને તાલીમ આપી હતી. આ દરમિયાન કૉંગ્રેસના મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી અને કેટલીક માંગણીઓ કરી હતી.
મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધી પાસે શું માંગ્યું?
જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસૂદ્દીન શેખ અને જાવેદ પીરજાદાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ આપ્યું હતું. જેમાં ગુજરાતના કેટલાક મુદ્દાઓ અંગે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે
મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ, જૂનાગઢ, બેટ દ્વારકા અને અમદાવાદના ચંડોળા તળાવ તથા ઓઢવ જેવા વિસ્તારોમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો અને બંધારણનું ઉલ્લંઘન છે. બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પહેલા નાગરિકોને નોટિસ આપવામાં આવે, તેઓને પોતાની માલીકી સાબિત કરવાનો સમય આપવામાં આવે અને 10 વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા હોય તેવા ગરીબો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.”
ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના નેતાઓએ મોબ લિંચિંગની ઘટનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મોબ લિંચિંગ અંગે મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મોબ લિંચિંગ અંગે કાયદો બનાવ્યો છે. પરંતુ આ અંગે કડક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવતો નથી. તેમણે સરકારને અરજી કરી છે કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં કડક કાર્યવાહી થાય તે નિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી છે.