સુરતમાં રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી મુદ્દે કૉંગ્રેસે રેલવે તંત્રની કરી આકરી ટીકા

સુરત રેલ્વે સ્ટેશન પર તાપી ગંગા ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર થયેલી સવારે ભાગદોડના કારણે એક યાત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જેના માટે રેલ્વે તંત્રની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડમાં ભાગદોડના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે.
ભારે ભીડના કારણે અનેક યાત્રીઓના શ્વાસ રૂંધાયા, ત્રણ યાત્રીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાની માહિતી મળી રહી છે. ભારતીય તહેવારોમાં વિશેષ માંગ હોવા છતાં મુસાફરો માટે યોગ્ય આયોજન કરવામાં રેલ્વે વિભાગનું રેઢીયાળ તંત્ર સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે.
દિવાળી અને ઉત્તર ભારતીયોના છઠ્પુજાના તહેવારોનું આગવું મહત્વ હોવા છતાં રેલ્વે તંત્ર મુસાફરોની માંગને ધ્યાને લઈ આગોતરી વ્યવસ્થા કરવામાં ફરી એકવાર ધ્યાન ન આપતા એક પ્રવાસીએ જીવ ગુમાવવો પડે આના થી મોટી કઈ કરૂણતા હોઈ શકે ? સુરત, નવસારી સહિત ગુજરાતમાં ધંધા-રોજગાર અર્થે આવેલા લાખો ઉત્તર ભારતીયોની વારંવારની માંગ છતાં જાહેર પરિવહન વ્યવસ્થા-રેલ્વે તંત્ર જાહેરાતો અનેક કરે પણ વાસ્તવમાં રેલ્વે તંત્રની જાહેરાતો પાટા ઉપર ન દોડતા હજારો ઉત્તર ભારતીયો સુરત, નવસારી થી વતનમાં જવા માટે દર વર્ષે હેરાન પરેશાન થઈ રહ્યા છે. મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થામાં નિષ્ફળ રેલ્વે તંત્રનો ભોગ નિર્દોષ મુસાફરો બની રહ્યાં છે. ગતવર્ષ ટ્રેનમાં એક મુસાફર ગુંગળાઈને મોત થયું હતું.
ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરીને સત્તા મેળવનારા સાંસદો, સંત્રી, મંત્રી અને ધારાસભ્યો રેલ્વેની વ્યવસ્થા સુધારવા માટે કેમ સક્રિયતા દાખવતા નથી ? રેલવે તંત્રનું અણઘડ આયોજનના કારણે સુરતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, ત્રણ જેટલા વ્યક્તિઓ ગુંગળાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.
જે નાગરિકો તેમની શ્રમશક્તિથી રાજ્યની આર્થિક વ્યવસ્થામાં યોગદાન આપતા હોય, જેના લીધે રાજ્યમાં આર્થિક પ્રગતિમાં યોગદાન ઉમેરાતું હોય ત્યારે તેમના પરિવાર સાથે વતનમાં તહેવારો માટે ઉત્સાહભેર જતા નાગરિકોની વ્યવસ્થા માટે રેલ્વે તંત્ર કેમ જાગતુ નથી રેલવે સુવિધા સુરક્ષાની વાત કરે છે પણ સાદી વ્યવસ્થા આપવામાં પણ નિષ્ફળ નીવડી છે.
જે નાગરિક પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર માટે જઈ રહ્યું હોય જેનું અવ્યવસ્થાના કારણે કમકમાટી ભર્યું મૃત્યુ પામે તેના માટે રેલવે તંત્રની બેદરકારી સીધી જવાબદાર છે, તેવી આકરી ટીકા તેમણે કરી હતી.