કિંમતી જમીન બાબતે સરકારને નુકસાનને દોઢ દાયકે કચ્છના નાયબ કલેકટર સામે ફરિયાદ
ભુજ: ગુજરાતમાં મોટા પદ પર રહેલા સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ સરકારી કિંમતી જમીનને લઈને સરકારને આર્થિક નુકસાન પહોંચાડનારા કચ્છ પૂર્વ કલેકટર સહિત અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ભુજના તાત્કાલિક નાયબ કલેકટર ડી. જે. જોશી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરીને તેના દ્વારા સરકારની તિજોરીને રૂપિયા 79.67 લાખનું નુકસાન બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2007થી 2008 દરમ્યાન ભુજના નિવૃત પ્રાંત અધિકારી જે.ડી. જોશીએ અરજદારોની અરજી સંદર્ભે સરકારી નિયમો મુજબ કાર્યવાહી ન કરીને સરકારની તિજોરીને રૂા. 79,67,555નું આર્થિક નુકસાન કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ભુજના મામલતદારે નોંધાવી છે અને કિંમતી જમીનના સંદર્ભે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ 16 વર્ષ બાદ ફોજદારી દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત… નશાખોરીનું ગુજરાત બની રહ્યું છે?
આ બનાવ સંદર્ભે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ભુજ ગ્રામ્યના મામલતદાર ભરતકુમાર નવીનચંદ્ર શાહે ડી. જે. જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓની તપાસ દરમ્યાન જે-તે સમયના નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી જે.ડી. જોશીથી ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ફરિયાદીને અધિકૃત કરતા ફરિયાદીએ ચાર કેસની ફાઇલ મગાવી અભ્યાસ કર્યા બાદ આ સંદર્ભે વિગતે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર માધાપરના અરજદાર રામજી સામજી પીંડોરિયાની માધાપર સીમ સર્વે 1044 અને નવા સીમ સર્વે નંબર 365/1 એકર 7.30 ગુંઠા જમીન શ્રી સરકાર હોઇ જે જમીન દબાણ નિયમબદ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને 23,54,400નું નુકસાન પહોંચાડયું હતું.
આ ઉપરાંત કનૈયાબે ગામે એશિયા મોટર વર્કસ લિમિટેડ બિન ખેડૂત હોઇ તા. 31-01-2006વાળી અરજી આધારે અરજદારની ખેતીની જમીન એકર 2.01 ગુ. વધારા બાબતે આરોપી પાસે અધિકાર ન હોવા છતાં જમીનનું દબાણ નિયમબદ્ધ કરવાની સ્થાયી સૂચના મુજબ અઢી ગણું પ્રિમિયમ લેવાના બદલે માત્ર રૂા. 81,950 જેવી નજીવી રકમ લઇ અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા માટે સરકારને રૂા. 39,26,600નું આર્થિક નુકસાન પહોંચાડયું હતું. ફરિયાદમાં અન્ય કેસો સંદર્ભે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.