હાસ્ય કલાકારનો અનોખો સેવાયજ્ઞ: ડૉ. જગદીશ ત્રિવેદીએ 8 વર્ષમાં ₹19 કરોડનું દાન કરીને સમાજને આગવો રાહ ચિંધ્યો

દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની આવક આરોગ્ય-શિક્ષણને સમર્પિત કરી
વઢવાણઃ ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીએ આજે પોતાના જીવનના પચાસ વર્ષ પુરા કર્યા ત્યારથી પોતાના દેશ- વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. એમાં એ વહીવટી ખર્ચ પણ લેતા નથી. તદુપરાંત દર 12 ઓક્ટોબરે એમના જન્મદિવસે આખા વરસનો વિગતવાર હિસાબ Social Audit of Social service નામથી પુસ્તક પણ પ્રગટ કરે છે.
જગદીશ ત્રિવેદીએ આઠમા વરસનું સેવાનું સરવૈયું પ્રગટ કર્યુ
એમની આ પારદર્શકતાથી પ્રભાવિત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મનકી બાત કાર્યક્રમનાં એપીસોડ નંબર 108માં જગદીશ ત્રિવેદીની સેવા વિશે 03.42 મિનિટ સુધી બોલ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી. આજ રોજ જગદીશ ત્રિવેદીએ આઠમા વરસનું સેવાનું સરવૈયું પ્રગટ કર્યુ હતું. આજ દિવસ સુધીમાં એમણે 19,23,57,634 રુપિયાનું દાન કર્યું છે. મજાની વાત એ છે કે, જગદીશ ત્રિવેદી કોઈપણ જાતના નાત-જાત-ધર્મ કે ભાષાના ભેદ વગર માનવમાત્રની સેવા કરે છે અને માત્ર આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે.
આ પણ વાંચો: રાજકોટમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જીવનચરિત્ર પર આધારીત અંગ્રેજી પુસ્તકનું ભવ્ય લોકાર્પણ…
ડૉ. જગદીશ ત્રિવેદીએ કુલ ત્રણ વખત પીએચડી કરી છે
આ 19.23 કરોડમાંથી એમણે 13 સરકારી શાળાઓ ચણીને સરકારને દાનમાં આપી છે તથા બે શાળાઓ નિર્માણાધીન છે. તદુપરાંત નવ સાર્વજનિક પુસ્તકાલયો, એક છાત્રાલય અને એક બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને આઠ વરસમાં કુલ પચીસ જેટલી ઈમારતો ચણીને સમાજને અર્પણ કરી છે. આ સાથે અનેક જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ એમણે સહાય કરી છે.
જગદીશ ત્રિવેદીને રાજ્યપાલ તરફથી ગુજરાત ગરિમા, મુખ્ય પ્રધાન તરફથી ગુજરાત ગૌરવ અને રાષ્ટ્રપતિ તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ અને પદ્મશ્રી એમ બે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ડૉ. જગદીશ ત્રિવેદીએ કુલ ત્રણ વખત પીએચડી કરેલું છે. એટલું જ નહીં પરંતુ બે વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પીએચડી કર્યું છે. એમણે કુલ 82 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 6 પુસ્તકોને અકાદમી અને પરીષદનાં પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.
આ પણ વાંચો: પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું લોકાર્પણ
Social audit of Social service પુસ્તકનું લોકાર્પણ
આજે જગદીશ ત્રિવેદીના પુસ્તક Social audit of Social service નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઝાલાવાડના રાજપુત સમાજે ડૉ. જગદીશ ત્રિવેદી માટે પોતાનો સદભાવ વ્યક્ત કરતાં સૌપ્રથમ 58 રાજપુત યુવક- યુવતીઓએ રક્તદાન કર્યું હતું. ડૉ. પીસી શાહ અને ડૉ. નેહલ મનીષ પંડ્યાએ આ પ્રસંગે 1,08,000/- રુપિયા તથા પટેલસમાજના આગેવાન અને અમદાવાદનાં ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ 58,000/- રુપિયા જગદીશ ત્રિવેદીને એમના સેવાયજ્ઞ માટે આપ્યા હતા. આ રકમ જગદીશ ત્રિવેદીએ નિર્માણધિન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કરી દીધી હતી.

કાર્યક્રમમાં આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
આજે વઢવાણ ખાતે શ્રીમતી સદગુણાબહેન સી. યુ. શાહ પ્રસુતિગૃહ જ્યાં આજથી અઠ્ઠાવન વરસ પહેલા જગદીશ ત્રિવેદીનો જન્મ થયો હતો ત્યાં કેન્દ્રીય પ્રધાન મુળુભાઈ બેરા , સાંસદ ચંદુભાઈ શિહોરા , વિધાનસભાના મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મલેશભાઈ કોટેચા, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થીભવનના પૂ. મહાત્માસ્વામી, જાણીતા તબીબ અને સમાજસેવક ડો. પીસી શાહ તથા વઢવાણના રાજવી પરિવારના ભવાનિસિંહજી મૌર્ય તેમજ પ્રસૂતિગૃહના પ્રમુખ નવીનભાઈ મણિયાર તેમજ મોટી સંખ્યામાં વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હતાં.