મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘નોટરી પોર્ટલ’નું કર્યું લોન્ચિંગ: 1518 વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત…

ગાંધીનગર: ગુજરાત રાજ્યની સ્થાપનાના 65 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આજે એક અભૂતપૂર્વ ઘટના બની છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વકીલોને નોટરી પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એકસાથે 1518 વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેના હસ્તે ‘નોટરી પોર્ટલ’નું લોન્ચિંગ પણ કર્યું હતું.
ડિજિટલ યુગ માટે ‘નોટરી પોર્ટલ’
ગુજરાત નેશનલ યુનિવર્સિટી ખાતે કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ‘નોટરી પોર્ટલ’ દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે. તેનાથી કાયદાકીય પ્રણાલીમાં પારદર્શકતા વધશે અને ડિજિટલ યુગમાં કામગીરી વધુ ઝડપી બનશે.

કાયદાનું શાસન અને નોટરીની ભૂમિકા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર આટલા વકીલોને એકસાથે નોટરીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.” મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, “કોઈપણ રાજ્યના વિકાસ માટે કાયદાનું શાસન ખૂબ જ મહત્વનું હોય છે. કાયદાકીય પ્રણાલીમાં દસ્તાવેજનું ખૂબ જ મહત્વ છે, અને આ દસ્તાવેજોની પ્રક્રિયામાં નોટરીની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. તમે આ વિશ્વાસ કાયમ રાખજો અને ભરોસો રાખજો.”
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ રાજ્યની કાયદાકીય વ્યવસ્થાને વધુ મજબૂત અને ડિજિટલ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.



