આપણું ગુજરાત

મનસુખ વસાવા ‘બોલ બચ્ચન’ છે, આદિવાસી સમુદાય મુદ્દે હંમેશાં ‘મૌન’ રહ્યા: ચૈતર વસાવાનો પ્રહાર…

છોટા ઉદેપુર: ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ધારાસભ્ય મનુસખ વસાવા લગભગ અનેક બાબતે આમને સામને આવી જતાં હોય છે. ત્યારે વધુ એક વાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આડે હાથ લીધા હતા.

એક જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “મનસુખભાઈ આલફેલ બોલે છે અને જો કોઈને મળે તો હું જાહેરમાં ડિબેટમાં રાખવા તૈયાર છું તેમ કહી દેજો. તેમણે કહ્યું હતું કે મનસુખભાઈને રાજનીતિમાં 36 વર્ષ થયા અને મને 36 મહિના થયા. પણ આ દરમિયાન તેમણે સંસદમાં અને મે વિધાનસભામાં કેટલા આદિવાસીઓના મુદ્દા ઉપાડ્યા, કેટલી રજૂઆતો અને કેટલા માટે અવાજ ઉપાડ્યો તેના પરથી બંનેનું પાણી મપાઈ જાય તેમ છે. તેમણે આરોપ કર્યો હતો કે હું તેમની જેમ બોલ બચ્ચન નથી.

તેમણે આરોપ કર્યો હતો કે જ્યારે આદિવાસીઓના પ્રશ્ન ઉઠાવવાનું આવ્યું ત્યારે તેમણે મૌન ધારણ કરી લીધું હતું. ચૈતર વસાવાએ અનેક ઉદાહરણો આપ્યા હતા. તેમણે કહ્યું કે કેવડીયામાં આદિવાસીઓના ઝૂંપડાં પાડયા ત્યારે મનસુખ વસાવા મૌન રહ્યા હતા. આદિવાસીઓના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અટકાવી, નકલી કોલેજ બહાર આવી ત્યારે પણ મનસુખ વસાવા મૌન રહ્યા હોવાનો આરોપ ચૈતર વસાવાએ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે માત્ર ચૈતર આમ અને ચૈતર તેમ જેવા જ નિવેદનો આપે છે. તેમણે આરોપ કર્યો હતો કે કદાચ મનસુખ વસાવાને ચૈતરના જ સપના આવતા હશે. તેમણેવાત કરી હતી કે મનસુખભાઈએ ખૂબ જ ભાજપ માટે કામ કર્યું, પરતું તેમનું પાર્ટીમાં કઇ ઉપજતું નથી. તેમણે દાવો કર્યો હતો કે મનસુખ વસાવાનું પાર્ટીમાં ચાલતું હોય તો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ કોઈ આદિવાસીને બનાવો એટલે ખબર પડી જશે કે પાર્ટીમાં તમારું કેટલું ચાલે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં હારના સંકેતો અને ડિપોઝિટ જપ્ત થવાનો ડર જોઈને સાંસદની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ જ કારણોસર તેઓ હતાશામાં આવીને આમ આદમી પાર્ટીના પરિવાર અને નેતાઓ પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ૩૦ વર્ષથી સત્તામાં હોવા છતાં જનતાના કામો ન કરી શકનાર સાંસદ હવે પોતાની રાજકીય જમીન સરકતી જોઈ ડઘાઈ ગયા હોવાનું ચૈતર વસાવાએ નિવેદનમાં જણાવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button