આપણું ગુજરાતટોપ ન્યૂઝ

યુએસ જતા ગુમ થયેલા લોકોને શોધવા કેન્દ્ર સરકાર નીરસ, હાઈકોર્ટે ઝાટકણી કાઢી

ગત માર્ચમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયાસ દરમિયાન ગુમ થયેલા નવ લોકોને શોધવા અને તેમને વતન પરત લાવવામાં ‘નિષ્ક્રિયતા’ દાખવવા બદલ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે વિદેશ મંત્રાલય(MEA)ની ઝાટકણી કાઢી હતી.

વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસો વચ્ચે સંદેશાવ્યવહાર બાદ અસ્પષ્ટ અહેવાલ દાખલ કરવા બદલ કોર્ટે કેન્દ્રને ઠપકો આપ્યો. કોર્ટે કેન્દ્રના વકીલને પૂછ્યું, “આ કેવા પ્રકારનો સ્ટેટસ રિપોર્ટ છે? શું તમે અમને વાર્તા સંભળાવો છો? તમે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરી રહ્યાં છો. શું આ બાબત મજાક બની ગઈ છે? તમે આ રીતે કોર્ટની અમારી મજાક ઉડાવી રહ્યા છો.”

ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારોએ ગુજરાત હાઈ કોર્ટને વિનંતી કરી હતી કેરેબિયનમાં તેમના સ્વજનોની અટકાયત કરવામાં આવી હોવાની આશંકા છે, તેમને શોધવામાં મદદ કરવા માટે કોર્ટ કેન્દ્રને આદેશ આપે. 18 સપ્ટેમ્બરના રોજ, હાઈકોર્ટે રાજદ્વારી ચેનલો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે કેન્દ્ર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો.

ગઈ કાલે શુક્રવારે કેન્દ્રએ કોર્ટમાં તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો કે મંત્રાલયે તેમને શોધવા માટે શું કર્યું હતું. કેન્દ્રએ સ્ટેટસ રિપોર્ટ જણાવ્યું હતું હતું કે વિવિધ દેશોમાં સ્થાનિક અધિકારીઓએ ભારતીય દૂતાવાસોને જવાબ આપ્યો ન હતો, અને દૂતાવાસોએ પણ વિદેશ મંત્રાલયના પત્રનો જવાબ આપ્યો ન હતો. વિદેશ મંત્રાલયને એકમાત્ર પ્રતિસાદ સુરીનામમાં ભારતીય રાજદૂત તરફથી મળ્યો હતો, જેમણે વિગતો એકઠી કરી હતી કે આઠ વ્યક્તિઓ કોમનવેલ્થ ઓફ ડોમિનિકામાં ગયા હતા અને નવમી વ્યક્તિ સુધીર પટેલ સેન્ટ લુસિયા ગયા હતા. જો કે, આ દેશોએ તેમની હાજરીની પુષ્ટિ કરી નથી.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની બેન્ચે પૂછ્યું કે શું તેમનો પતો મેળવવા માટે કોઈ અન્ય પદ્ધતિ છે? ખાસ કરીને જ્યારે દૂતાવાસો MEA ના પત્રોનો જવાબ આપતા નથી.

કોર્ટે કેન્દ્રના વકીલને કહ્યું, એફિડેવિટમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ નથી. તેમાં માત્ર અલગ-અલગ દૂતાવાસોને લખાયેલા પત્રનો ઉલ્લેખ છે અને જેમણે તમને કોઈ જવાબ આપ્યો નથી. પત્ર લખવા સિવાય MEA  દ્વારા ગુમ થયેલા નવ ભારતીયોને શોધવા માટે કંઈ કરવામાં આવ્યું નથી.

મુખ્ય ન્યાયધીશે પૂછ્યું કે, “લોકોને શોધવા માટે બીજી કઈ પદ્ધતિ છે? જો તેઓ કોઈ જેલમાં બંધ હોય તો શું તમે તેમને શોધી શકો છો? જ્યાં પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે મુસાફરી કરતા લોકોની અટકાયત કરવામાં આવી છે આવી જગ્યાઓ જાણીતી છે.”

કોર્ટે આગામી સુનાવણી 29 નવેમ્બરના રોજ મુલતવી રાખી અને MEA સચિવને કરેલી કાર્યવાહી અંગે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર એ સ્થાનો પર ધ્યાન આપે જ્યાં પાસપોર્ટ વિના મુસાફરી કરનારાઓને રાખવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button