આપણું ગુજરાત

બોટાદ કડદા કેસ: 108 દિવસ બાદ રાજુ કરપડા સહિત 7 આગેવાન જેલ મુક્ત, અરવિંદ કેજરીવાલે કહ્યું સત્યની જીત

સુરેન્દ્રનગરઃ બોટાદ કડદા કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના સાત આગેવાનો જેલ મુક્ત થતા સુરેન્દ્રનગરમા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું, જ્યારે પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોના હિત માટે લડતા હોવાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના યુવા ખેડૂત આગેવાન રાજુ કરપડા સહિત AAPના આગેવાનો અને કાર્યકરો જેલ મુક્ત થતા આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ છવાયો હતો.

કુલ સાત લોકોના જામીન કોર્ટે મંજૂર કર્યો

બોટાદ કડદા કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને રમેશ મેર સહિત કુલ સાત લોકોના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે. બોટાદ ખાતે કપાસના કડદા કાંડ મામલે ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુ કરપડા અને પ્રવીણ રામ, સહિતના આગેવાનોએ એક સભાનું આયોજન કર્યું હતું.

આ સભામાં અચાનક પથ્થર મારો અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી હતી, તેથી આ કેસમાં ખેડુત આગેવાનો સહિત 85 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ રાજુ કરપડા અને પ્રવિણ રામ અને રમેશ મેર સહિત સાત આગેવાનો 100 દિવસથી વધુ સમય માટે જેલ ભોગવવાનો વખત આવ્યો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સત્યની જીત ગણાવી હતી. ગુજરાત સરકારની ટીકા કરતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સત્યમેવ જયતે લખ્યું હતું.

108 દિવસ જેલમાં રહ્યા પછી મળી મુક્તિ

આ મામલે કુલ સાત લોકોના જામીન ભાવનગરની ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ બાદ બોટાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડાને જામીન મળ્યા છે.

108 દિવસથી વધુ સમય જેલમાં રહ્યા બાદ તેમની મુક્તિ થઈ છે. જામીન મળ્યા બાદ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત નેતા રાજુ કરપડા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

ખેડૂતોના હિત માટે મક્કમતાથી લડવાની તૈયારી

આ પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ આગામી સમયમાં ખેડૂતોના હિત માટે વધુ મક્કમતાથી લડત આપશે. તેમણે ખાસ કરીને ખેડૂતોના વીજ લાઇન, પાણી અને અન્ય મૂળભૂત પ્રશ્નોને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. જામીન પર મુક્ત થયા બાદ રાજુ કરપડાએ જેલવાસ દરમિયાન તેમના પરિવારને સહયોગ આપનાર તમામ ખેડૂતો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button