ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર, રાજ્યમાં 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજાશે

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે આક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ લોકોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમ કે ગુજરાતમાં ભાજપ 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે. 10થી 12 બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન છે. એટલે કે રાજ્યના 50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજાશે. આ સભાઓમાં ભાજપના અગ્રણી નેતાઓ લોકોને ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે સંબોધશે.
ગુજરાતના વિવિધ શહેરોમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે માટે રાજ્યમાં ક્લસ્ટર સંયોજક નિયુક્ત કરવામાં આવ્યા છે. મોદી પરિવાર સભાના પ્રદેશ સંયોજકની જવાબદારી ધવલ દવે અને મનિષ પટેલને સોંપવામાં આવી છે. જેમ કે સોરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર માટે બ્રિજરાજસિંહ ઝાલા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર માટે હાર્દિક ડોડિયા, કચ્છ, બનાસકાંઠા,પાટણ માટે યોગેન્દ્રસિંહ ગોહિલ મોદી પરિવાર સભા આયોજીત કરશે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
“અબકી બાર 400 કે પાર, મેં હું મોદી કા પરિવાર અને ફિર એક બાર મોદી સરકાર”લખેલા સ્લોગન સાથેના ખેસ પણ મોકલવામાં આવી રહ્યા છે.
ભાજપે યુવા મતદારોને રીઝવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રચારથી કરી રહી છે. ભાજપના વોરરૂમમા 20 લોકો રોજના 9 કલાક કન્ટેન્ટ ક્રીએટ કરે છે. વિડિયો, ગ્રાફિક્સ, મિમ, GIF વગેરે અનેકવિધ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટ કરી ભાજપ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યો છે. આ પ્રકારનું કન્ટેન્ટ ભાજપનો વોર રૂમ તૈયાર કરે છે. સોશિયલ મીડિયાના 15 પ્લેટફોર્મ ઉપર ભાજપ એક્ટિવ છે. વિદેશથી લઇને વોર્ડ સુધી સોશિયલ મીડિયામાં કાર્યકરોની નિમણૂક કરાઈ છે.