ભાજપ ધારાસભ્યોને દબાણ કરે છે, અમે નારાજ નેતાઓને મનાવીશું: ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલના પ્રયાસો
અમદાવાદ: એ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ કે જેણે પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું છે, તેની હાલમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિ જોવા મળી રહી છે, રાષ્ટ્રસ્તરે પણ અને રાજ્યસ્તરે પણ. અહીં વાત થઇ રહી છે Congressની.
એક તરફ INDIA ગઠબંધન રચીને દેશના વિપક્ષોની એકતા અને આવનારી ચૂંટણીઓમાં ભાજપને હરાવવાની વાતો વચ્ચે ધીમે ધીમે મમતા-નીતિશકુમાર જેવા નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે, અને બીજી તરફ ગુજરાતમાં 2 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જતા રાજ્ય સ્તરે પણ કોંગ્રેસના વળતા પાણી થઇ રહ્યા હોવાની હકીકત બહાર આવી ગઇ છે.
એવામાં અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ ભવનમાં ચૂંટણી સમિતિની વિશેષ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સહિત શક્તિસિંહ ગોહીલ, અર્જુન મોઢવાડિયા, વિમલ ચુડાસમા, અમિત ચાવડા, ગ્યાસુદ્દીન શેખ જેવા ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક લોકસભા ચૂંટણીને મુદ્દે યોજાઇ હતી જેમાં કયા ઉમેદવારોને ઉતારવા, પ્રચાર કઇ રીતે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભાજપ જે પ્રકારનું રાજકારણ કરે છે તે લોકતંત્ર માટે જોખમી છે. પાર્ટીના જે નેતાઓ અલગ થયા છે તે માટેના ઘણા કારણો હોઇ શકે છે. ભાજપ પૈસાના જોરે ધારાસભ્યોને પક્ષ છોડવાનું દબાણ કરે છે. ભાજપની રાજનીતિ અહંકારભરી રાજનીતિ છે. અમારા જે નેતાઓ નારાજ છે તેની સાથે અમે વાતચીત કરીને કોઇક વચલો રસ્તો કાઢીશું.
.મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓની નારાજગી વચ્ચે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસે મને ઘણું આપ્યું છે, અને હું કોંગ્રેસનો ઋણી છું. નબળા સમયમાં કોંગ્રેસનું ઋણ ચૂકવવાનો સમય છે ત્યારે હું કોંગ્રેસને છોડીને ક્યાંય નથી જવાનો. આમ લલિત વસોયાની નારાજગીની અફવાનું પણ ખંડન થયું હતું.