રાજકોટમાં ભાજપના નેતાઓ ઈન્દિરા ગાંધીનું સન્માન કરશે
રાજકોટ: ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરસભાઓમાં વડા પ્રધાન મોદી સહીત ભાજપના નેતાઓ ગાંધી પરિવાર પર પ્રહારો કરતા રહે છે. વડા પ્રધાન મોદીએ અનેક વાર 1975ની ઇમરજન્સી બાબતે ઇન્દિરા ગાંધીની ટીકા કરી છે. પરંતુ રાજકોટ સ્થાનિક ભાજપના નેતાઓ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું સન્માન કરવાના છે. 19 નવેમ્બરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તેની સુવર્ણ જયંતિ ઉજવશે, ત્યારે ભાજપના નેતાઓ ઈન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે.
19 નવેમ્બર, 1973ના રોજ રાજકોટને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે જ્યારે RMCની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે યોગાનુયોગે 19 નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ પણ છે.
કાર્યક્રમના સમયપત્રક મુજબ, રવિવારના દિવસની શરૂઆત રીંગ રોડ પર આવેલી ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને કરવામાં આવશે, ત્યારબાદ મહિલા કોલેજ ચોક અંડરપાસ ખાતેની મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને સન્માન કરવામાં આવશે.
RMCના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ પૂર્વ વડાપ્રધાનોની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. 19 નવેમ્બર સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ છે, તેથી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો વર્ષગાંઠના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જો કે, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે જો ઈન્દિરાની પ્રતિમાને હાર પહેરાવવામાં આવે છે, તો ચિમન શુક્લા, અરવિંદ મણિયાર અને ગુજરાતમાં પક્ષનો પાયો નાખનાર અન્ય દિગ્ગજોનું પણ સન્માન કરવું જોઈએ.