મુંબઈમાં વધુ 400 કિલોમીટર રસ્તાના કોંક્રિટીકરણ માટે આવ્યા મોટા ન્યૂઝ

મુંબઈ: મુંબઈમાં 400 કિલોમીટરના રસ્તાનું સંપૂર્ણ રીતે કોંક્રિટીકરણ કરવાના કામ માટે મહાપાલિકા દ્વારા થોડા સમયમાં ટેન્ડર જાહેર કરવામાં આવવાનું છે. મુંબઈના રસ્તા પર વારંવાર ખાડાઓ પડતાં પાલિકા દ્વારા રૂ. 7,000 કરોડનું ભંડોળ શહેરના 400 કિલોમીટરના રસ્તાનું કોંક્રિટીકરણ કરવા માટે પૂરું પાડવામાં આવશે. આ કામકાજની જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવે એવી માહિતી પાલિકાના સૂત્રોએ આપી હતી.
2022માં મુંબઈના 400 કિલોમીટરના રસ્તાનું કોંક્રિટીકરણ કરવા માટે પાલિકા દ્વારા રૂ. 6,078 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર 2022માં જાહેર કર્યા છતાં મોટા ભાગનું કામ હજી પૂર્ણ થયું નથી. રાજ્યમાં સત્તા પલટા પછી એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા પછી મુંબઈના બધા જ રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવાનો આદેશ મહાપાલિકાને આપવામાં આવ્યો હતો.
મુંબઈની કુલ 2,050 કિલોમીટર લાંબા રસ્તાનું કોંક્રિટીકરણ કરવામાં આવવાનું છે. આ કામકાજમાં માત્ર 400 કિલોમીટર જેટલા રસ્તાના કોંક્રિટીકરણ માટે ટેન્ડરની પ્રક્રિયા બાકી રહી ગઈ હતી જેને હવે બેથી ત્રણ અઠવાડિયાની અંદર બહાર પાડવામાં આવશે.
મુંબઈના રસ્તાનું કોંક્રિટીકરણ કરવા બાબતે એક અધિકારીએ માહિતી આપી હતી કે શહેરમાં કુલ 2,050 કિલોમીટરના રસ્તા છે. આ રસ્તામાંથી 50 ટકા જેટલા રસ્તાના કોંક્રિટીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાલિકા દ્વારા માર્ચ 2022માં સુધી 236 કિ.મી. લાંબા રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવા માટે રૂ. 2,200 કરોડનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કામોને મુખ્ય પ્રધાન શિંદેની મંજૂરી મળ્યા બાદ નવેમ્બર 2022માં મહાપાલિકા દ્વારા 400 કિલોમીટરના રસ્તાનું કોંક્રિટીકરણ કરવા માટે રૂ. 6,078 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ પટ્ટામાં 910 રસ્તાના કામકાજ માટે પાંચ કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી.
ત્યારબાદ 2023માં મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોના વિસ્તારમાં આ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, પણ મુંબઈ શહેરમાં આ કામકાજ હજી સુધી શરૂ થયું નથી. 2022માં જે 400 કી.મી. લાંબા રસ્તાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તેમાં માત્ર પાંચથી છ ટકા જ કામ પૂર્ણ થયું છે. જેથી આ કામને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો હતો.
મુંબઈમાં કુલ 2,050 કી.મી. લાંબા રસ્તા છે, જેમાંથી માત્ર 1,148 કિ.મી. લાંબા રસ્તાનું કોંક્રિટીકરણ પૂર્ણ થયું છે. 2023-24માં બાકી રહેલા 400 કી.મી.ના રસ્તાનું કોંક્રિટીકરણ કરવામાં આવવાનું છે અને ત્યારબાદ 2024-25માં આ કામોને પૂર્ણ કરવામાં આવશે.