શું ભરશિયાળે ફરી થશે માવઠું? ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર થવા છે એંધાણ…

અમદાવાદ: ગુજરાતમાં હાલ શિયાળાની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં વધી રહેલી હલચલને કારણે રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો થવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ, તાપમાન અને કમોસમી વરસાદની સંભાવનાઓ બદલાઈ શકે છે.
હવામાન વિભાગે મંગળવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલ હવામાન ડ્રાય રહેવા સાથે ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક જ રહેશે. હાલ ગુજરાતમાં ક્યાંય વરસાદની કોઈ શક્યતા નથી. મંગળવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 13.8 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, અને અમદાવાદમાં 18.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જો આ બંને સિસ્ટમ ઉપરની તરફ આવે તો હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને ભેજનું પ્રમાણ વધશે. ઈન્ડોનેશિયા પાસે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે ડિપ્રેશન બની ચૂકી છે અને તે આગળ વધીને ડીપ ડિપ્રેશન અથવા કદાચ ‘સેન્યાર’ (Senyar) નામના વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી શક્યતા છે.
આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ શ્રીલંકા પરથી આવેલી એક સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી શકે છે. જો આ બંને સિસ્ટમ હાલના 10 ડિગ્રી નોર્થ પરથી 20 ડિગ્રી નોર્થ પર આવશે, તો ભારતના હવામાનમાં મોટી ઉથલપાથલ થશે. પરિણામે, શિયાળાની જગ્યાએ ફરી તાપમાન ઊંચું જઈ શકે છે અને લોકોએ સ્વેટરની જરૂર ન પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 26 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રી આસપાસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. આના કારણે સવારે ભારે ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બેવડી ઋતુનો અનુભવ કરાવશે. તેમણે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ (માવઠું) થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ખાસ કરીને, 15થી 17 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદની શક્યતા છે. ડિસેમ્બરમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ માવઠું થઈ શકે છે. 20 ડિસેમ્બર પછી ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે, જે જાન્યુઆરી માસમાં પણ યથાવત રહેશે. એટલું જ નહીં, ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે.



