ખેડૂતોને થયેલ નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે શું જાહેરાત કરી? વાંચો અહેવાલ…

ગાંધીનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોનું નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. જેના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે.
ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે. એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની સત્વરે સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.
ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાનમાં સરકાર મદદરૂપ થશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. આ સાથે સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા. જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.

વધુમાં વાત કરવામાં આવે તો, આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી દેવામાં આવી છે.
ખેતી પાકોને થયેલા નુકશાનની સમીક્ષા કરવામાં આવશે
ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.
આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું?
આ બેઠક દરમિયાન મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ ટી.નટરાજન તથા મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…પ્રતાપ દૂધાતની સરકારને ચીમકી: ખેડૂતોને છેતરવાનું બંધ કરો, 3 નવેમ્બરથી ધરણા પર બેસશે…



