ગંભીરા બ્રીજ પછી 'દાદા' એક્શનમાં: ફિલ્ડમાં ઉતરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો! | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગંભીરા બ્રીજ પછી ‘દાદા’ એક્શનમાં: ફિલ્ડમાં ઉતરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો!

મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ બેઠકમાં અધિકારીઓ પર પસ્તાળ પડી

ગાંધીનગર: ગુજરાતના વડોદરામાં ગંભીર બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારે એક પછી એક આક્રમક પગલાં ભર્યા છે, ત્યારે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. અહીંના બેઠકમાં ગંભીરા બ્રિજ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરા નજીક ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ સુરક્ષાના કારણોસર રાજ્યના 133 બ્રિજને બંધ કરવામાં આવ્યા છે ત્યારે બાંધકામ વિભાગના અધિકારીઓ ચેતવણી આપતા કહ્યું હતું કે ફિલ્ડમાં ઉતરો નહીં તો કાર્યવાહી માટે રહેજો તૈયાર.

રાજ્યમાં 133 પુલની હાલત નબળી

વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ રાજ્યમાં 133 પુલની નબળી સ્થિતિ સામે આવી હતી, જેના કારણે તે બંધ કરવામાં આવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સવાલ કર્યો કે, “એક બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે પુલો નબળા છે?” તેમણે અધિકારીઓ સામે પ્રશ્ન પણ ઊભો કર્યો કે મે મહિનામાં થયેલી તપાસ દરમિયાન અધિકારીઓએ શું કર્યું?

આ પણ વાંચો: ગુજરાતમાં નર્મદા કેનાલના 5 પુલ સંપૂર્ણ બંધ, 4 પર ભારે વાહનો પ્રતિબંધિત…

ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાને “ગંભીર બેદરકારી” ગણાવીને જણાવ્યું કે આવી લાપરવાહી માફી યોગ્ય નથી. તેમણે તમામ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપી છે. રાજ્ય સરકાર હવે ભવિષ્યમાં આવા કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે એવું પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે.

પુલની સ્થિતિનું સક્ષન નિરીક્ષણ કરો

મુખ્યમંત્રીએ અધિકારીઓને આકરી ચેતવણી આપતાં કહ્યું, “ઓફિસમાં બેસીને રિપોર્ટ બનાવવાનો પગાર નથી મળતો. ફિલ્ડમાં ઉતરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.” તેમણે અધિકારીઓને જવાબદારી સાથે કામ કરવા અને પુલોની સ્થિતિનું સઘન નિરીક્ષણ કરવા સૂચન આપ્યું. આ ઘટનાએ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ગંભીરા પુલ તૂટ્યા પછી તંત્ર જાગ્યુંઃ વડોદરાના પુલો પરથી હટાવ્યું 4,695 ટન વધારાનું વજન!

ઉલ્લેખનીય છે કે નબળી ગુણવત્તા અને નિયમોનું પાલન ન કરવા બદલ રાજ્યના ત્રણ શહેરોમાં 23 કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો. CMએ સ્પષ્ટ કર્યું કે રસ્તાઓ અને પુલોની મરામત માટે વરસાદ બંધ થવાની રાહ જોવી નહીં, પરંતુ તાત્કાલિક કામગીરી શરૂ કરવી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button