રાજ્ય સરકારના વિભાગો દ્વારા બજેટ અન્વયે કરાયેલા ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમીક્ષા દરમિયાન વિભાગોએ તારીખ 30 નવેમ્બર 2025 સુધીમાં બજેટ અંતર્ગત કરેલા ખર્ચનો તુલનાત્મક રીવ્યુ કરતાં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષની બજેટ જોગવાઈ સામેના ખર્ચમાં થયેલા વધારાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે તમામ વિભાગોને તેમનું આયોજન વધુ સંગીન કરીને નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તથા આગામી વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધુ સુધારો થાય તે માટેના પણ દિશા નિર્દેશો આપ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં ખાસ સૂચનાઓ આપી
નાણા પ્રધાન કનુ દેસાઈ, વાહન-વ્યવહાર અને વન-પર્યાવરણ રાજ્ય પ્રધાન પ્રવીણ માળી તેમજ મુખ્ય પ્રધાન મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્ય પ્રધાનના સલાહકાર એસ.એસ. રાઠૌર અને તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટ ફાળવણી સામે રાજ્ય સરકારના વિભાગો દ્વારા થયેલા ખર્ચની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવાના શરૂ કરેલા ઉપક્રમમાં યોજાયેલી આ અગાઉની બેઠકમાં થયેલા સૂચનો સંદર્ભે ખર્ચની ગુણવત્તા સુધારવા વિભાગોએ લીધેલા પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરી હતી.
તેમણે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સિસ્ટમેટિક ટેસ્ટીંગ અને ક્વોલિટી મોનિટરિંગ કરવાનું સૂચન કરતાં એવા દિશા નિર્દેશો આપ્યા કે, જો આવા પ્રોજેક્ટ્સમાં કોઈપણ વિસંગતતાઓ ધ્યાનમાં આવે તો તેના ઉપર કડક પગલાં પણ લેવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જે રીતે ક્વોલિટી સેલ ઉભું કરવામાં આવ્યું છે, તે મુજબ અન્ય વિભાગો પણ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પગલા ભરે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તમામ યોજનાઓ સમયસર અમલમાં મુકવી અંગે ભાર મૂક્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત લાભાર્થીઓને સહાય પુરી પાડતી તમામ યોજનાઓ સમયસર અમલમાં મુકવી જોઈએ તે બાબત પર ભાર મુકતા કહ્યું કે, શિષ્યવૃત્તિ ને અન્ય સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન અને વિધવા સહાય પેન્શન ખરેખર મળવા પાત્ર હોય તેવા સાચા લાભાર્થીઓને સમયસર મળશળે. આ સાથે સંબંધિત વિભાગો આવી યોજનાઓનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પોતાની પાસેના ઉપલબ્દ્ધ ડેટાઓનો ઉપયોગ કરે તેવી હિમાયત કરતાં ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી કે, કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની જોગવાઈઓ સામે સમયસર ખર્ચ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું અને એ પછીની આનુષંગિક કામગીરી પુરી કરીને ભારત સરકાર તરફથી મહત્તમ ભંડોળ મેળવવાનું જરૂરી ફોલોઅપ કરવું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખરેખર લાભાર્થી સુધી લાભ પહોંચે તે પ્રમાણે કામગીરી કરવા અને જે પ્રોજેક્ટ્સ પ્લાનીંગ સ્ટેજ પર હોય તેને ઝડપથી પુર્ણ કરીને ખરા અર્થમાં અમલવારી સુનિશ્ચિત કરવાની પણ સુચનાઓ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓને આપી હતી. નાણાં વિભાગના અગ્ર સચિવે આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતાં નાણાં વિભાગ સહિત બધા જ વિભાગો ગુણવત્તા યુક્ત અને સમયસર ખર્ચ સુનિશ્ચિત કરવા માટેના સઘન પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી.



