ભાવનગર અને જામનગરને પણ મળ્યા નવા મેયર, આ નેતાઓને સોંપાઈ શહેરની કમાન
ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે રાજુ રાબડિયા, શાસક પક્ષ નેતા તરીકે કિશોર ગુરુમોખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાના નામોની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ, બાબુભાઇ મેર, લક્ષ્મણ રાઠોડ અને ભારતી બેન મકવાણાનું નામ ચર્ચામાં હતું અંતે મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર લાગી છે.
જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા તરીકે આશિષ જોશી અને દંડક તરીકે કેતન નાખવાના નામોની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસૂર્યા, મુકેશ માતંગ અને જેન્તી ગોહિલ રેસમાં હતા, જેમાથી વિનોદ ખીમસૂર્યાના નામ પર મહોર લાગી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગઈ કાલે અમદવાદ તથા વડોદરા અને આજે સવારે સુરત અને રાજકોટ મહાનગર પાલિકાના મેયર સહીત હોદેદારોના નામ જાહેર કરાયા હતા.