ગુજરાતમાં ‘પગાર ચાલુ, કર્મચારી વિદેશમાં’ કૌભાંડ,આરોગ્ય વિભાગની લાલીયાવાડીનો પર્દાફાશ
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી વિદેશમાં ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ હોવાની આશંકા સેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કાર્યસ્થળે ગેરહાજર અને વિદેશમાં રહી શિક્ષકો પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે બાદ હવે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના બે કર્મચારીઓ ચાલુ નોકરીએ વિદેશ જઈને લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ આરોગ્ય શાખામાં ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગ દોડતુ થયું:
એક મીડિયા અહેવાલ મુજબ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગ બાદ હવે જિલ્લા પંચાયત હસ્તના આરોગ્ય વિભાગના બે કર્મચારીઓ ચાલુ નોકરીએ વિદેશ જઈને લાંબા સમયથી ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા જિલ્લાનો આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો :
બનાસકાંઠા જિલ્લામાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી. સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ ચાલુ નોકરીએ ગેરહાજર રહીને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે અને હંગામો થતાં પ્રકાશ દેસાઈએ મામલો વધુ ન વણસે તે માટે રાજીનામુ ધર્યું હોવાનું ચર્ચા શરૂ થઇ છે. આ ઉપરાંત જિલ્લાના 14 તાલુકા હેલ્થ ઓફિસરને તાકિદની નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે લાંબા સમયથી રજા ઉપર ઉતરી ગયેલો કે વિદેશ ગયેલા મેડિકલ ઓફિસર કેટલા છે તેની તપાસ કરવામાં આવે. આ નોટિસમાં 14 તાલુકા હેલ્થ ઓફિસરોની જવાબદારી નક્કી કરવા સૂચન કર્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટરમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ ગેરકાયદે ગેરહાજર હોય તો તાત્કાલિક વિગતવાર માહિતો મોકલી આપવી અને જેતે અધિકારી, કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જાણ કરવી.
સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા બનાસકાંઠા જિલ્લામાંથી ભાવનાબેન પટેલ નામની શિક્ષિકા તરીકે પાંછા સરકારી પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો હતો. વર્ષો થી ભાવનાબેન નામના શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકામાં રહી અને શાળામાં ફરજ બોલતી હતી .
આ ઘટના બાદ તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકારે એક્શન લીધા છે. શિક્ષકોની ગેરહાજરીના આંકડા બાબતે વિભાગે 17 જિલ્લાના 31 શિક્ષકો ગેરહાજર અને 32 શિક્ષકો વિદેશ ગયાનો ખુલાસો કર્યો હતો. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે.