બાપા સીતારામના નાદથી ગુંજ્યું બગદાણા, 49માં પુણ્યતિથિ મહોત્સવે ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ…

ભાવનગર: સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી અને આસ્થાનું કેન્દ્ર એવા બગદાણા ધામમાં આજે ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે લાખો ભક્તોએ ‘બાપા’ના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન આ મહોત્સવમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર બગદાણા ધામ ‘બાપા સીતારામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
પુણ્યતિથિના પાવન અવસરે ગુરુ આશ્રમ ખાતે પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી. વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થયો હતો, ત્યારબાદ ધ્વજા પૂજન અને ભાવપૂર્ણ ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ પૂજ્ય બાપાની ભવ્ય નગરયાત્રા રહી હતી. શણગારેલા રથમાં બાપાની છબી સાથે નીકળેલી આ યાત્રામાં હજારો ભક્તો અબીલ-ગુલાલ અને ચોકલેટનો વરસાદ વરસાવતા જોડાયા હતા, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યુ હતું.

બગદાણાનો આ મહોત્સવ માત્ર દર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે પૂજ્ય બાપાના ‘રામ, રોટલો અને રાષ્ટ્રભક્તિ’ના મંત્રને સાર્થક કરે છે. લાખોની મેદની હોવા છતાં આશ્રમના સ્વયંસેવકોએ દર્શન, રસોડું, પાર્કિંગ અને સફાઈ જેવા વિવિધ વિભાગોમાં ખડેપગે સેવા આપી હતી. હજારો ભક્તોએ ભોજનશાળામાં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોની ભીડને જોતા બહેનો અને ભાઈઓ માટે ભોજનની અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

આટલી વિશાળ જનમેદનીને નિયંત્રિત કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ, હોમગાર્ડ અને મંદિરના સુરક્ષાકર્મીઓએ ટ્રાફિક અને ભીડના નિયમન માટે ખાસ પાર્કિંગ પ્લોટ્સ અને કતારોની વ્યવસ્થા કરી હતી. પદયાત્રા કરીને આવેલા અને ખાનગી વાહનો દ્વારા પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓએ કોઈપણ અવરોધ વિના શાંતિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો…જ્યારે દેશ માટે બાપાએ પોતાની ‘બંડી’ સુદ્ધાં લીલામ કરી દીધી! બજરંગદાસ બાપાની રાષ્ટ્રસેવાની અમર ગાથા



