જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, બોક્સ દીઠ રૂ. 600થી 1800નો ભાવ બોલાયો

કેસર કેરીના સ્વાદના રસીયાઓએ હવે તેમની પ્રિય કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. જોકે લોકોએ હાલ કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંતે કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 800થી 1000 બોક્સની આવક થઈ હતી. હરાજીમાં પ્રતિ બોક્સનો ભાવ 600થી 1800 રૂપિયા બોલાયો હતા. યાર્ડના વેપારીઓના મતે બજારમાં જેમ જેમ કેરીની આવકમાં વધારો થશે એમ એમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ગીરની કેસર કેરીની 2 હજારથી 5 હજાર બોક્સની આવક થતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીની આવક મોડી અને ઓછી થઈ છે. આ વર્ષે 800થી 1000 બોક્સની જ આવકથી પ્રારંભ થયો છે.
ગત વર્ષ 2023માં આ જ સમયગાળામાં બોક્સનો ભાવ 250થી 500 રૂપિયા હતો, એના બદલે આ વર્ષે 600થી 1800 રૂપિયાનો ભાવ બોલાયો છે. જોકે આવનારા દિવસોમાં આવક વધતાં જ ભાવમાં ઘટાડો જોવા મળશે. એટલે લોકોએ સસ્તી કેરી ખાવા માટે હજી થોડા દિવસ વધુ રાહ જોવી પડી શકે છે.
આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 600થી 1000 કેરીના બોક્સની આવક થઈ છે અને આ કેરીના એક બોક્સનો ભાવ બોલાયો છે, જે એક કિલો કેરીના ભાવ 180 રૂપિયા નોંધાયા છે. લાલબાગ, હાફુસ ,રત્નાગિરિ કેસર જેવી ઘણા પ્રકારની અલગ અલગ કેરીઓ પણ અહીં આવે છે.
મોસમમાં ફેરફારના કારણે આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આવક પણ ઓછી છે અને કેરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં કેરીની આવકમાં પણ વધારો થશે અને ભાવ પણ નીચા જશે.