AMTS બસની બ્રેક ફેલ થયા બાદ બસે 8 ગાડીઓને ટક્કર મારી; 4 લોકો ઘાયલ

અમદાવાદ : અમદાવાદનાં જોધપુર ચાર રસ્તા પાસે AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ની બસ અને અન્ય વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર દરમિયાન બસે 8 વાહનોને ટક્કર મારી દીધી હતી. AMTS બસ દ્વારા થયેલા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ બસના ડ્રાઈવરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની GJ01KT 0952 નંબરની બસ ઘુમાથી હાટકેશ્વર જતી હતી. પ્રાપ્ત વિગતો મુજબ 151 નંબરની બસ જોધપુર ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ત્યારબાદ આ બસ કુલ 8 ગાડીઓને ટક્કર મારતી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકો અને 1 બાઇક સવારને ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળ પર એકઠા થયેલા લોકોએ ડ્રાઈવરને પકડી લીધો હતો અને એન. ડિવિઝન પોલીસ સ્ટેશને બસના ડ્રાઈવર મોહમ્મદ આમીન મન્સૂરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.