અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈ કોર્ટ કડક: વાહનો જપ્ત કરાશે!

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માત્ર વાયદાઓ નહીં, પરિણામો જોઈએ. કોર્ટે ટ્રાફિક વિભાગને એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા અને દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
કાયદાનો અમલ નથી થતો એ હકીકત
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે અમદાવાદ પોલીસ સતત ખડેપગે રહીને કામ કરી રહી છે. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મોટા ભાગની પોલીસ કાર્યરત હતી. પોલીસે આ દરમિયાન 24 કલાક રાઉન્ડ ધ કલોક કામ કર્યું, ત્યાર બાદ રથયાત્રા આવી તેમાં પણ સતત ધ્યાન રાખી સફળતાપૂર્ણ તેને પૂર્ણ કરી. આટલું કામ હોવા છતાં પોલીસ સતત કામ કરી રહી છે. જેના અંગે કોર્ટે કહ્યું હતું કે કે, અમને પોલીસની કામગીરી પર શંકા નથી પરંતુ કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાસ્તવિકતા છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
કોર્ટે આપ્યો સપ્તાહનો સમય
લોકો જાણે નિઃસહાય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે, અધિકારીઓ અને પોલીસને માત્ર એસજી હાઈ વે અને સીજી રોડ જ દેખાય છે. અમદાવામાં બીજા પણ વિસ્તાર છે, ત્યાં કામગીરીની જરૂરિયાત છે. કોર્ટે કહ્યું અમને માત્ર વાયદા નહીં પણ પરિણામ જોઇએ. કોર્ટે કહ્યું, અમે એક સપ્તાહનો સમય આપીએ છે.
તંત્રએ ટાયર કિલર લગાવ્યા હતા
કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો. શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે તંત્રએ ટાયર કિલર લગાવ્યા હતા, તેમ છતા પરિસ્થિતિ જેમની તેમ છે. કોર્ટે કહ્યું કે, આ તમામ પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જો કાયદાનું અમલીકરણ કડક નહીં હોય તો તમને કોઈ ગાંઠશે નહીં. એફઆઈઆર નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.
આ પણ વાંચો: … તો ગોધરા કાંડ ન થયો હોત, ગુજરાત હાઈ કોર્ટે જીઆરપીના 9 જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો
નિયમોનું પાલન કરાવવા શું કરી શકાય
સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું કે, આગામી એક સપ્તાહ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કડક કામગીરી કરશે. નિયમોનું પાલન કરાવવા માટે પેનલ્ટી, લાઇસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઇ કોર્ટે સૂચન કર્યું હતું.