અમદાવાદ-મુંબઈ રૂટ પર 130KM સાથે અમૃત ભારત એક્સપ્રેસનો ટ્રાયલ, શું છે ભવિષ્યની તૈયારી?

અમદાવાદઃ ભારતીય રેલવેની આધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશભરમાં ચાલી રહી છે. હાલ 30 ટ્રેનો સંચાલિત છે, જે ટૂંક સમયમાં 39 થઈ જશે તેવું જાણવા મળ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ટ્રેનનો 130 કિમી/કલાકની ઝડપે ટ્રાયલ ચાલુ છે. ભવિષ્યમાં હાઈસ્પીડ કોરિડોર પર બલેટ ટ્રેન દોડવાની છે. અત્યારે આ રૂટ પર વંદે ભારત દોડી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન એક ખાસ વ્યૂહરચના હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરી રહી છે.
અમૃત ભારતનું હબ બનશે આપણું અમદાવાદ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, રિસર્ચ ડિઝાઈન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO)ના ટ્રાયલમાં બંને છેડે એન્જિનથી ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. અત્યારે ખાસ કરીને અવાઇબ્રેશન, બ્રેકિંગ, સસ્પેન્શન અને સુરક્ષા પર તપાસ કરવામાં આવી રહી છે. અમૃત ભારત એક્સપ્રેસની વાત કરવામાં આવે તો, તેમાં 22 કોચમાં સ્લીપર, જનરલ અને નોન-એસી કેટેગરી છે. 1000 કિમીના અંતરમાં 500 રૂપિયા ભાડું હશે તેવો અંદાજ છે, જે વંદે ભારત કરતાં સસ્તું છે.
અમૃત ભારતની વિશેષતાઓ શું છે?
- અમૃત ભારતની મહત્તમ 130 કિમી/કલાક ઝડપ હશે
- બંને છેડે પુશ-પુલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્જિન
- સ્લીપર, જનરલ અને નોન-એસી ક્લાસ સહિત 22 કોચ
- સ્ટેશન પર રોકાવાનો સમય અને મુસાફરીનો સમયગાળો ઘટશે
- આંચકા અને બમ્પ્સ ઘટાડવા માટે ખાસ સસ્પેન્શન સિસ્ટમ રાખવામાં આવી
- દરેક ડબ્બામાં સીસીટીવી સર્વેલન્સ, એલઇડી લાઇટિંગ
અમદાવાદમાં બનશે 16 માળનું વર્લ્ડ ક્લાસ સ્ટેશન
અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્ટેશન બની રહ્યું છે, જે 16 માળનું હશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ભવિષ્યમાં અનેક અમૃત ભારત ટ્રેનોનું સંચાલન થશે તેવી આશા છે. જેના માટે અત્યારે ટ્રાયલ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગામી સમયણાં અમદાવાદ-પટના, અમદાવાદ દરભંગા અને અમદાવાદ વારાણસી જેવા લાંબા રૂટ પર પણ અમૃત ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રેનમાં વંદે ભારત કરતા ભાડાનો દર ઓછો રહેશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે.



