મહિલા સમાનતાની વાત કાગળ પર જ! વર્કફોર્સમાં માત્ર આટલી જ ભાગીદારી
અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા અને આધુનિક ગણાતા શહેરો અમદાવાદમાં વસ્તી ગણતરીના આંકડા અનુસાર 1961માં કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 7% હતી. છ દાયકા વીતવા છતાં પણ શહેરની કુલ વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં માત્ર 6 ટકાનો વધારો નોંધાયો છે. એક અભ્યાસ અનુસાર 2021ના અંદાજિત ડેટા દર્શાવે છે કે શહેરની કુલ વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 13% જ છે.
અભ્યાસ અહેવાલ તૈયાર કરી રહેલા CEPT યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની ટીમોએ સેમ્પલિંગ માટે શહેરને 1 ચોરસ કિલોમીટરના બ્લોકસમાં વિભાજિત કર્યું હતું. આ વર્ષે, વિદ્યાર્થીઓએ 2,798 ઘરોના સેમ્પલ સાથે આવા 50 થી વધુ બ્લોક્સને આવરી લીધા હતા. સર્વેના પરિણામો મુજબ શહેરના 62% પુરૂષોની વર્કફોર્સનો ભાગ છે જયારે 19% મહિલાઓ. જેનો અર્થ છે કે કામ કરતા દર ત્રણ પુરૂષો સામે શહેરના વર્કફોર્સમાં એક જ મહિલા છે.
અભ્યાસમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે પગારદાર લોકોમાં જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગનો હિસ્સો ઘણો ઓછો છે. લગભગ 81% પગારદાર વ્યક્તિઓ જેમાં 85% પુરૂષો અને 77% સ્ત્રીઓ તેમના વર્ક પ્લેસ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો અને કેબનો ઉપયોગ કરે છે. પગારદાર વ્યક્તિઓ માટે સરેરાશ મુસાફરીનો સમય 23 મિનિટનો હતો.
અભ્યાસ મુજબ શહેરના પશ્ચિમી વિસ્તારો માટે માથાદીઠ માસિક આવક વધુ છે – આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા લોકોની સરેરાશ આવક સૌથી વધુ રૂ. 96,000 હતી, ત્યારબાદ પ્રહલાદનગરમાં રૂ. 64,000, સાઉથ બોપલમાં રૂ. 45,000 અને નારણપુરા અને મણિનગરમાં રૂ. 44,000 હતી. અભ્યાસકર્તાએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ ડેટા સૂચક છે. અભ્યાસ માટે 2,800 સેમ્પલ જ લેવામાં આવ્યા હતા અને દર્શાવેલ ડેટા વ્યક્તિગત પ્રતિભાવો પર આધારિત છે. ચોક્કસપણે માર્જિન ઓફ એરર હોઈ શકે છે, પરંતુ તે વ્યાપક વલણો સૂચવે છે.
શહેરના પશ્ચિમી વિસ્તારો માથાદીઠ આવક વધુ હતી ત્યારે સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓની સંખ્યા પૂર્વીય વિસ્તારોમાં વધુ હતી. ઉદાહરણ તરીકે, મણિનગરમાં 56% અને સરસપુરના 52% લોકોએ પોતાને સેલ્ફ-એમ્પ્લોયડ તરીકે ઓળખાવ્યા હતા.