ક્રિકેટ મેચ માટે અમદાવાદ તૈયારઃ ટ્રાફિક અને શહેર પોલીસ ખડેપગે
ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપની આવતી કાલથી શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે સ્ટેડિયમ ઓથોરિટી, ક્રિકેટર્સ, ફેન્સ બધા સાથે શહેરનો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ તૈયારીમાં લાગી ગયો છે. શહેરમાં આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડ કપની મેચોની શરૂઆત થશે. શહેરમાં નવરાત્રિ અને ક્રિકેટ મેચને લઈને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે.
તે ઉપરાંત શહેર પોલીસ કમિશ્નર દ્વારા ક્રિકેટ મેચોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટને ડાયવર્ટ કરાયા છે જે 5 અને 14 ઓક્ટોબર, 4,10,19 નવેમ્બરની વર્લ્ડ કપ મેચ રમાશે તે દરમિયાન લાગુ રહેશે. ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે.
આ બાબતે ટ્રાફિક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે. જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈ જનપથ થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થી મોટેરા ટી સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આવતીકાલની મેચ સહિત તમામ મેચો માટે લાગુ પડશે.
ટ્રાફિક ન થાય તે માટે 15 જેટલા પ્લોટ છે. જેમાંથી ચાર ટુ વ્હીલર માટેનાં છે. તેમજ 11 ફોર વ્હીલર માટેનાં પાર્કિગ પ્લોટો છે. આ જે પાર્કીગ પ્લોટ છે. માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. તેમજ મેચ વખતે એડીશનલ પોલીસ કમિશ્નર, 3 ડીસીપી, 4 એસીપી સહિત 1250 જેટલા ટ્રાફિકનાં અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.